સમગ્ર રાજ્યની સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાની બીજીલહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આજે જામનગર શહેરમાં 86 અને ગ્રામ્ય વિસ્તારમાં 65 મળી કુલ 151 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીના હાઇએસ્ટ છે. અગાઉ 2, સપ્ટેમ્બરે જામનગર જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન કુલ 142 કેસ નોંધાયા હતા. જે ગઇકાલ સુધીના હાઇએસ્ટ હતા. કોરોનાની બીજી લહેરે આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે નવા રેકોર્ડબ્રેક 151 કેસ નોંધાયા છે. ગત 2, સપ્ટેમ્બરે કોરોના જ્યારે તેની ચરમસીમા પર હતો ત્યારે જામનગર શહેરમાં 121 અને ગ્રામ્ય વિસ્તારમાં 21 પોઝિટીવ કેસ નોંધાયા હતા. તે સમયે લોકોમાં ભય અને ફફડાટનો મહોલ વ્યાપી ગયો હતો. આજે નોંધાયેલા 151 પોઝિટીવ કેસોએ ફરીથી શહેર અને જિલ્લાના લોકોમાં દહેશતનો માહોલ સજર્યો છે.
કોરોનાની બીજી લહેરનો સ્ટ્રેઇન વધુ સંક્રમિત હોવાને કારણે સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. લોકો ઝડપભેર કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે શહેર-જિલ્લામાં ફરી એકવખત ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. કલેકટર સહિતના તંત્રો પણ એલર્ટ થઇ ચૂક્યા છે. શહેરની કોવિડ હોસ્પિટલ ફરીથી દર્દીઓથી ઉભરાવવા લાગી છે. 750 બેડની ક્ષમતા ધરાવતી કોવિડ હોસ્પિટલ ફરી એકવાર 50 ટકાથી વધુ ભરાઇ ચૂકી છે. હોસ્પિટલમાં મોતનો આંકડો પણ ડરાવનારો સાબિત થઇ રહ્યો છે. ત્યારે જામનગરના લોકોને હવે જરા સરખી પણ બેદરકારી કે લાપરવાહી પણ પાલવે તેમ નથી. આવા સંજોગોમાં સાવચેતી એ જ સલામતી હોય તેમ લોકોએ સ્વયં જાગૃત થઇ કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અન્યથા જામનગર શહેર અને જિલ્લો પણ કોરોનાનું હોટસ્પોટ બની જશે.