173 દિવસ બાદ જામનગર જિલ્લાના ગામડાંઓમાંથી કોરોના સંપુર્ણ રીતે ગાયબ થયો છે. આજે બુધવારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટીવનો એક પણ કેસ મળ્યો નથી. છેલ્લે 22 જાન્યુઆરી 2021ના રોજ જામનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કોઇ કેસ નોંધાયો ન હતો.આમ 173 દિવસમાં લાંબાં ગાળાબાદ ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોના સંપુર્ણ રીતે ગાયબ થયો છે. આ સમય ગાળા દરમ્યાન ગ્રામ્ય વિસ્તારના લોકો કોરોનાની બિહામણી બીજી લહેરનો સામનો કરી ચૂકયા છે.
એપ્રિલ 2020માં જામનગર જિલ્લામાં કોરોનાની સૌપ્રથમ એન્ટ્રીબાદ જૂન, જૂલાઇ,ઓગસ્ટમાં કોરોનાની પ્રથમ લહેર આવી હતી. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં કોરોનાનો દૈત્ય સતત ઘૂમરાઇ રહ્યો હતો. કોરોનાની પ્રથમ લહેર 22 જાન્યુઆરી 2020ના રોજ સંપૂર્ણ પણે સમાપ્ત થઇ હતી. જે દિવસે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. ત્યારબાદ ફરીથી ધીમે ધીમે માથું ઉચકવા લાગેલા કોરોનાના રાક્ષસે એપ્રિલ અને મે માં બીજી લહેરના સ્વરૂપમાં હાહાકાર મચાવ્યો હતો. પ્રથમ લહેરમાં ઓછી અસર પામેલાં ગામડાં બીજી લહેરમાં બરાબરમાં ઝપટે ચડી ગયા હતાં. સતત બે મહિના સુધી હાહાકાર મચાવનાર બીજી લહેરની પીક આવી ગયાબાદ મે ના અંતથી તેમાં સતત ઘટાડો શરૂ થયો હતો. છેલ્લાં કેટલાંક દિવસથી ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં એકાદ-બે કેસ નોંધાતા રહ્યા હતાં અને કોરોના પોતાના અસ્તિત્વની હાજરી પૂરાવતો રહ્યો હતો. દરમ્યાન આજે 173 દિવસ બાદ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોના ગાયબ થયો છે.
જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા છેલ્લાં 24 કલાક દરમ્યાન કુલ 938 વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં એક પણ પોઝિટીવ કેસ નહીં મળતાં તંત્રએ રાહતનો દમ લીધો છે.