જામનગર જિલ્લામાં કોરોનાએ બિહામણુ સ્વરૂપ બતાવ્યું છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં ત્રણના મોત બાદ આજે એક સાથે ચાર વૃદ્ધ દર્દીના મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શનિ-રવિ બે દિવસ દરમિયાન જામનગર શહેર-જિલ્લામાં નવા 57 કેસો નોંધાયા છે. જ્યારે 47 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે.
સમગ્ર વિશ્ર્વમાં કોરોના સંક્રમણ એક વર્ષ બાદ ફરીથી વધુ તેજ બનતા ભયનો માહોલ સર્જાઇ રહ્યો છે. જો કે, વિશ્ર્વના દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાનું સંક્રમણ મહદઅંશે ઓછું જોવા મળી રહ્યું છે. ભારતમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો ઉછાળો આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રની પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે. જ્યારે ગુજરાતમાં પણ ગુજરાતમાં પણ કોરોનાના કેસો છેલ્લાં એક સપ્તાહથી સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સપ્તાહ પૂર્વે 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા 400 થી 500 ની વચ્ચે થતા હતાં જે આજે 1500 સુધી પહોંચી ગયા છે એટલે કે છેલ્લાં એક સપ્તાહમાં કોરોના પોઝિટિવ કેસોના આંકડામાં 300 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં 48 કલાક દરમિયાન 7 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે, સત્તાવાર રીતે એક પણ મોત થયું નથી. 48 કલાક દરમિયાન જામનગર શહેરમાં 32 અને ગ્રામ્ય વિસ્તારમાં 25 મળી કુલ 57 નવા દર્દી ઉમેરાયા છે. જ્યારે શહેરમાં 39 અને ગ્રામ્યમાં 8 મળી કુલ 47 દર્દીઓએ કોરોનાને માત આપી છે. કોરોના સંક્રમણ શરૂ થયા બાદ એક વર્ષ પછી આજે પણ પરિસ્થિતિ હતી ત્યાં ને ત્યાં જ પહોંચી ગઈ છે. એક વર્ષ પૂર્વે લોકડાઉનની શરૂઆત થઈ હતી અને આજે લોકડાઉન લાગુ કરાયાના એક વર્ષ પૂર્ણ થયાની સ્થિતિમાં કોરોના સંક્રમણમાં અનેકગણો ઉછાળો આવી ગયો છે.