સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં કેટલાક દિવસોથી દરરોજ ભૂકંપના હળવા આંચકા અનુભવાય છે અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો ભયભીત લોકોએ અગમચેતી ખાતર ખુલ્લામાં જ રાત ગાળવાનું શરૂ કરી દીધું છે આજે સવારે પણ ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. છેલ્લા એક સપ્તાહમાં અહીં ભૂકંપના 7 જેટલા આંચકા આવી ચૂકયા છે. ત્યારે સિસ્મોલોજી વિભાગના અધિકારીએ એવો રાહતનો સંકેત આપ્યો છે કે હળવા આંચકાના સિલસિલો ચાલતો હોય તેવા ક્ષેત્રોમાં સામાન્ય રીતે મોટા ભૂકંપ સર્જાતા નથી. ભૂકંપના હળવા આંચકા સર્જતા ઘટનાક્રમને ‘અર્થક્વેક સ્વાર્મ’ કહેવામાં આવે છે. આ ઘટનાક્રમમાં દિવસો, મહિનાઓ અને કયારેક વર્ષો સુધી એક જ સ્થળે કેન્દ્ર બિંદુ ધરાવતા હળવા આંચકા નોંધાતા હોય છે. અમરેલી પંથકમાં પણ સમાન ઘટનાક્રમ છે. છેલ્લા બે વર્ષમાં 400 જેટલા હળવા આંચકા અનુભવાયા છે અને મોટા ભાગમાં કેન્દ્ર બિંદુ મિતિયાળા છે. મિતિયાળામાં લોકોેએ અગમચેતી વાપરીને અને મોટા ભૂકંપની આશંકા-ભયને કારણે રાત્રે ઘરની બહાર જ રહેવાનું શરૂ કરી દીધું છે.