વાહન નુકસાનીના કેસમાં વિમા કંપનીને યોગ્ય લાયસન્સ ન હોવાની તકરાર થતાં ગ્રાહક તકરાર નિવારણ કમિશને વાહન ચાલકની તરફેણમાં ચુકાદો આપી નુકસાનની રકમ ચૂકવવા વિમા કંપનીને આદેશ આપ્યો છે.
મીઠાપુરના રહેવાસી વિઠ્ઠલજી જેઠાલાલ સોમૈયાની માલિકીનું ટાટા કંપનીનું લાઇટ મોટર વ્હીકલ નં. જીજે-10-વાય-996નું જીતેન્દ્ર કાકુભાઇ ડોડીયા ચલાવીને જતાં હતાં ત્યારે વાહન અકસ્માત થતાં મોટર વ્હીકલ લોશ થયું હતું. મોટર વ્હીકલની વિમા પોલીસી નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિ. પાસેથી મેળવેલી હોય જેથી વિમા કંપની પાસેથી નુકસાની વળતર મેળવવા કલેઇમ ફોર્મ ભરેલ અને ત્યારબાદ વિમા કંપનીએ ઇન્વેસ્ટીગેશન કરી ઇન્સ્યોર્ડ વાહન એલએમવી વાહન હતું. ચાલક પાસે ટેકસી બેઇઝ લાયસન્સ ન હોય જેથી કલેઇમ રેપ્યુડીએટ કરેલ હતું. ફરિયાદી વિઠ્ઠલભાઇ દ્વારા વકીલ વિરલ એસ. રાચ્છ મારફતે જામનગરની ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ નોંધાવતાં વિમા કંપનીને નોટીસ કરવામાં આવેલ અને વિમા કંપની દ્વારા વિવિધ બચાવો લેવા આપેલ કે, વાહન ટેકસી પ્રકારનું હતું અને ચાલક પાસે ટેકસીકેબ પ્રકારનું લાયસન્સ તથા બેઇઝ હોવો જોઇએ. જે જીતેન્દ્રભાઇના લાયસન્સમાં એન્ડોર્સ ના હોય જેથી જીતેન્દ્રભાઇ પેસેન્જ વાહન ચલાવી શક નહીં. ફરિયાદ રદ કરવા દલીલો કરી હતી. જ્યારે ફરિયાદી તરફે વકીલ વિરલ એસ. રાચ્છ દ્વારા પુરાવાઓ રજૂ કરેલ હતાં અને જીણવટભરી દલીલ કરી હતી કે, વાહન ચાલક જીતેન્દ્રભાઇ પાસે એલએમવી પ્રકારનું વાહન લાયસન્સ હતું. જે આરટીઓ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલ છે.
એલએમવી પ્રકારનું પ્રાઇવેટ વાહન અને ચાલક જે વાહન ચલાવતા હતા તેનું ગ્રોસ વેઇટ સમાન હતું અને કાનૂની ચુકાદાઓ રજૂ કરેલ હતાં. જે ધ્યાને લઇ ગ્રાહક તકાર નિવારણ કમિશન દ્વારા ગ્રાહ્ય રાખતા વિમા કંપનીને રૂા. 2,84,625 ફરિયાદ દાખલ તારીખથી 7.5 ટકાના વ્યાજ સાથે ચૂકવવા તથા અલગથી ફરિયાદ ખર્ચ તથા માનસિક ત્રાસ આઘાત પેટેના એક માસમાં ચૂકવવા આદેશ કર્યો હતો.
વિમા કંપની દ્વારા ગુજરાત સ્ટેટ કમિશનમાં અપીલ હતી. જેની નોટીસ ફરિયાદી વિઠ્ઠલભાઇને બજી જતાં તેમના વતી વકીલ પ્રેમલ એસ. રાચ્છ હાજર થયેલ હતાં અને કમિશન સમક્ષ જીણવટભરી દલીલો કરી હતી જે દલીલો માન્ય રાખી કંપનીની અપીલ રદ કરવામાં આવી હતી. ફરિયાદી વિઠ્ઠલભાઇ સોમૈયા તરફે ગુજરાત સ્ટેટ કમિશનના વકીલ પ્રેમલ એસ. રાચ્છ તથા જામનગર ગ્રાહક તકાર નિવારણ કમિશન સમક્ષ વકીલ વિરલ એસ. રાચ્છ રોકાયેલા હતાં.