જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક અને ઝડપી થયા બાદ હવે ધીમે ધીમે પોઝિટિવ કેસો અને મૃત્યુનો આંકડો ઘટતો જાય છે. જેમાં છેલ્લાં 24 કલાક દરમિયાન પાંચ વ્યકિતઓના જિલ્લામાં મોત નિપજ્યા હતાં. શહેરમાં 321 અને ગ્રામ્ય વિસ્તારમાં 121 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.
ગુજરાત રાજ્યમાં છેલ્લાં દોઢ માસથી કોરોના સંક્રમણની બીજી લહેર ઝડપી અને ઘાતક પૂરવાર થઈ રહી છે. આ લહેરમાં અસંખ્ય લોકોના મોત નિપજ્યા છે. હાલ છેલ્લાં દશેક દિવસથી કોરોના પોઝિટિવની સંખ્યા અને મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે.છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 321 અને ગ્રામ્ય વિસ્તારમાં 121 મળી કુલ 442 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે શહેરમાં 123 અને ગ્રામ્ય વિસ્તારમાં 63 મળી કુલ 186 નવા દર્દી ઉમેરાયા હતાં. જ્યારે શહેરમાં પાંચ અને ગ્રામ્યમાં બે મળી કુલ સાત વ્યકિતઓના કોરોનાથી મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરાયું હતું. જામનગર શહેરમાં ગઈકાલ સુધીમાં કુલ 370742 અને ગ્રામ્યમાં 272825 લોકોના કોરોના પરિક્ષણ કરવામાં આવ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી પોઝિટીવ કેસની સંખ્યાની સાથે મૃત્યુઆંક પણ ઘટતો જાય છે અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ક્રમશ: ઘટતી જાય છે.જયારે જામનગર જિલ્લામાં બિનસતાવાર કોરોનાથી મોતનો આંકડો 24નો છે.
જયારે બીજી તરફ જિલ્લામાં રસીકરણ કાર્યક્રમને વેગવંતો બનાવવામાં આવી રહ્યોે છે. તેમાં ગુરૂવારે સાંજ સુધીમાં આંકડાઓમાં 18 થી 44 વર્ષ સુધીના કુલ 26,259 વ્યકિતઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જયારે 45થી વધુ ઉંમરના કુલ 1,42,679 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. તે પૈકીના 45,415 લોકોને બીજો ડોઝ અને 97,264 લોકોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
જામનગર શહેર-જિલ્લામાં સતત ઘટતું કોરોના સંક્રમણ
24 કલાક દરમ્યાન 442 દર્દી સાજા થયાં: 186 નવા દર્દી ઉમેરાયા: જિલ્લામાં સતાવાર મૃત્યુનો આંક 7: બિનસતાવાર મૃત્યુ આંક 24