જામનગર જિલ્લામાં નકલી ચલણી નોટો ઘૂસાડવાનું કારસ્તાન આચરી રહેલા બે શખ્સોને મેઘપર પોલીસે દબોચી લઇ અન્ય ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપરથી ચંગા પાટિયા તરફ જવાના માર્ગ પર 500 તથા 100ના દરની બનાવટી ચલણી નોટો ઘૂસાડવાનું કાવતરૂં આચરવામાં આવી રહ્યું હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા આઇપીએસ પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી.ટી. જયસ્વાલ તથા સ્ટાફે કાનાલુસ ગામ તરફ સર પી.એન. માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન પોલીસે બાતમી મુજબના ટ્રકને આંતરીને ટ્રકચાલક હમીદ પપુ નુરા કઠાત (ઉ.વ.23, રહે. રાજસ્થાન), અરમાન ફઝલુ રહેમાન અબ્દુલ કુરેશી (ઉ.વ.19, રહે. રાજસ્થાન) નામના ક્લિનર સહિતના બે શખ્સોને આંતરીને તલાશી લેતાં તેમની પાસેથી રૂા. 500ની કિંમતની 100 નંગ બનાવટી ચલણી નોટો મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરતાં આ 100 નોટના બંડલમાં કેટલીક ચલણી નોટોના નંબરો એકસરખાં જ હતાં. જેથી પોલીસે ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી હતી.
મેઘપર પોલીસે રાજસ્થાનના ડ્રાઇવર અને ક્લિનરની પૂછપરછ હાથ ધરતાં આ બનાવટી 500ના દરની ચલણી નોટો રાજસ્થાનના સલીમ કઠાર અને મોબાઇલ નંબર 90239 14936 નંબરધારક અજાણ્યા શખ્સે મોકલી હોવાની કેફિયત આપી હતી. જેના આધારે મેઘપર પોલીસે રાજસ્થાનના ત્રણ શખ્સોની શોધખોળ આરંભી આગળની તપાસ હાથ ધરી હતી.


