ખંભાળિયા સાથે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી અશુદ્ધ અને પીવાને લાયક ન હોવા અંગેના આરોગ્ય વિભાગના ધગધગતા રિપોર્ટના અનુસંધાને કોંગ્રેસ દ્વારા સત્તાવાહકો સામે વિવિધ આક્ષેપો કરી અને નગરપાલિકાના વહીવટદારને તાકીદે કડક પગલાં લેવા માટેની લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી થોડા સમય પૂર્વે વિતરણ કરવામાં આવતા પાણીના સેમ્પલો લઈ અને તેનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાતા આ પાણીના સેમ્પલ ફેઈલ હોવાનું જાહેર થયું છે. જેને અનુલક્ષીને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ અન્ય અધિકારીઓને સંબોધીને એક પત્ર દ્વારા આ મુદ્દે જાણ કરી નક્કર પગલાં લેવા જણાવાયું છે. “ખંભાળિયા શહેરમાં જે પાણી વિતરણ કરવામાં આવે છે તે પાણી પીવા લાયક નથી” તે અંગેના જિલ્લા આરોગ્ય અધિકારીના રિપોર્ટ સંદર્ભે કોંગ્રેસ દ્વારા સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી હાલ નગરપાલિકાના વહીવટદાર તેમજ પ્રાંત અધિકારીને સંબોધીને પત્ર પાઠવ્યો છે.
જેમાં જણાવ્યું છે કે નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત હેઠળના વિસ્તારમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી તેમજ ગટર સહિતની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે પ્રથમ ફરજ છે. પરંતુ લોકોના જીવ જોખમમાં મુકાય તેમ પાણીની બાબતમાં ભ્રષ્ટાચાર કરીને લોકોને મોતના મુખમાં ધકેલવામાં આવી રહ્યા છે. તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં અશુદ્ધ પાણીના કારણે ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો સતાધીશો આપણા જ નાગરિકોને મુખમાં મોતના મુખમાં ધકેલવા માંગે છે..?? તેવા પ્રશ્ન સાથે નાગરિકો પાણી વેરો ભરે છે અને શુદ્ધ અને પીવા લાયક પાણી સમયસર મળી રહે તે જોવાની ફરજ સંબંધીત તંત્રની છે. તેમ જણાવી, પાણીમાં ભ્રષ્ટાચાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા મોટા મગરમચ્છને પકડી જેલમાં નાખવામાં આવે અને લોકોને શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.
આ મુદ્દે સોમવારે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો તેમજ મહિલાઓ માટલા અને બેનરો સાથે જોધપુર ગેઈટ ચોકમાં ગાંધીજીની પ્રતિમા પાસે એકત્ર થયા હતા. અને ચાલીને વિરોધ વ્યક્ત કરી, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે શુદ્ધ પાણીના વિતરણ માટેની માંગ કરી હતી.


