જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આજે મમતા દિવસ ઉજવણીની સામે સરકાર દ્વારા વેક્સિનેશન પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે. ત્યારે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ વેક્સિનેશન પ્રક્રિયા બંધ રાખવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરના નિલકંઠનગર ખાતે કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વેક્સિન આપવાના નારા લગાવ્યા હતાં. રાજ્ય સરકાર દ્વારા આજરોજ મમતા દિવસને અનુલક્ષીને કોરોના રસિકરણ પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે. એક તરફ કોરોનાની ત્રીજી લ્હેરની તજજ્ઞો દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. ત્યારે બીજીતરફ સરકાર દ્વારા અવાર-નવાર રસિકરણ પ્રક્રિયા બંધ રાખવામાં આવતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આજે ફરીથી રાજ્ય સરકાર દ્વારા કોરોના રસિકરણ કામગીરી બંધ રાખવામાં આવતાં કોંગ્રેસ દ્વારા પણ સરકાર વિરુધ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરના નિલકંઠ આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિનેશન કામગીરી બંધ રાખવાના સરકારના નિર્ણયમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને વેક્સિન આપોના નારા લગાવ્યા હતાં. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, નુરમામદ પલેજા, સહારાબેન મકવાણા સહિતના કોંગ્રેસના હોદેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.