કોરોના સંક્રમણ વધતા ગંભીર દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત સર્જાય છે. ત્યારે ભાજપ કાર્યાલય પરથી લોકોને મફતમાં આપવામાં આવેલા ઈન્જેક્શનને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ થાય તેવી માંગ કરીને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સામે કેસ નોંધી કાર્યવાહીની માગ કરવામાં આવી છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સમગ્ર ઈન્જેક્શન મુદ્દે મૌન તોડતા કહ્યું કે, લોકોના જીવ બચાવવા માટે કાયદેસર રીતે ઈન્જેક્શન મેળવીને લોકોને આપવામાં આવ્યાં છે. કોંગ્રેસ ખોટી ધમકી આપવાનું બંધ કરે કારણ કે, અમે પ્લેગ વખતે પણ ટ્રેટાસાયક્લોન દવાના પડિકા બનાવીને લોકોને પહોંચાડ્યા હતા ત્યારે તો કોંગ્રેસે વિરોધ ન હોતો કર્યો. કોંગ્રેસને કંઈ કરવું નથી અને માત્ર વિરોધ જ કરવો છે.
રેમડેસિવિર ઈન્જેક્શનના ભાજપે એકત્રિત કરેલા જથ્થા મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે સીઆર પાટીલ સામે બિનજામીન પાત્ર ગુનો નોંધી ધરપકડ કરવી જોઈએ.પગલાં નહિ લેવામાં આવે તો હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવશે.પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી પણ સીઆર પાટીલેને ઇન્જેક્શન કેવી રીતે મળ્યા એની તપાસ થવી જોઈએ એવી વાત કરી હતી.કોંગ્રેસ અગ્રણી કદીર પીરઝાદાએ જણાવ્યું હતું કે હું 5 હજાર ઇન્જેક્શન લેવા તૈયાર છું અને દાખલ દર્દીઓને ફ્રીમાં આપવા તૈયાર છું.
અડાજણ વિસ્તારમાં 125 બેડની સુવિધાવાળું આઈસોલેશન સેન્ટર ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ઓક્સિજન અને મેડિકલ સુવિધા સાથેના આ સેન્ટર અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, જે લોકો એક રૂમ કે નાના ઘરમાં રહે છે ત્યાં કોઈ સંક્રમિત થાય અને બીજાને ચેપ ન લગાડે તે માટે આ પ્રકારે સુરતમાં અલગ અલગ જગ્યાએ શરૂ થયેલા સેન્ટર લોકોને ખૂબ જ લાભકર્તા સાબિત થશે.
કોંગ્રેસના શહેર પ્રમુખ નૈષધ દેસાઈએ ભાજપ પર આરોપ લગાવીને આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનું કહી કેસ કરવા કે હાઈકોર્ટ જવાની વાત કરી હતી. કોંગ્રેસના આક્ષેપ પર આકરા પ્રહાર કરતાં પાટીલે કહ્યું કે, ભાજપનો કોઈ કાર્યકર ડરતો નથી. કોંગ્રેસે જરા પણ એવી વાત ન કરવી જોઈએ. ભાજપના કાર્યકરો જીવને જોખમમાં મૂકીને લોકોની સેવા કરી રહ્યાં છે ત્યારે તેને સરાહવાની જગ્યાએ કોંગ્રેસ દ્વારા થતા ગંદા રાજકારણને બંધ કરી દેવું જોઈએ.