જામનગર શહેરમાં કોલેરા તથા ચાંદીપુરા વાયરસના પ્રકોપને લઇ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગર મહાનગરપાલિકા ખાતે કમિશનર કચેરી બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
જામનગર શહેરમાં કોલેરાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે આ ઉપરાંત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસો પણ વધી રહ્યા છે. જામનગરમાં પણ ચાંદીપુરા તથા કોલેરાના કેસો વધી રહ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા કોંગ્રેસ દ્વારા કમિશનર કચેરી બહાર રામધુન બોલાવી ધરણાં કર્યા હતાં. જામનગરમાં રોગચાળો વકરી રહ્યો હોય, અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસી જામનગરની જનતાને રોગચાળામાં કઇ રીતે મુકત કરાવશેના આક્ષેપ સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કમિશનર કચેરી બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ તકે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા ધવલ નંદા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, અલ્તાફ ખફી, નુરમામદ પલેજા સહિતના કોંગ્રેસના હોદેદારો – અગ્રણીઓ – કાર્યકરોએ રામૂધન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.