વીજરખી-મિયાત્રા, નાના થાવરીયા, હડમતિયા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય આ અંગે મિયાત્રા ગ્રામ પંચાયતના સરપંચ ભરતસિંહ કંચવા તથા ઉપસરપંચ દેવરખીભાઈ ચુચર દ્વારા કલેકટરને પત્ર લખી રજૂઆત કરી છે.
પત્રમાં જણાવ્યું છે કે, વીજરખી – મિયાત્રા – નાના થાવરીયા – હડમતિયા રોડની સરકાર તરફથી અંદાજિત સાડા ત્રણ કરોડ મંજૂર થયા છે. આ કામમાં નાળા, પુલિયા, સીસી રોડ, ડામર વગેરે કરાયું છે. જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને ત્રણ મહિનામાં કામ તૂટી ગયું છે. મોટા ગાબડા પડયા છે. ઓછી સિમેન્ટ અને હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. આ ગેરરીતિને ઢાંકવા સીસીરોડ અને પુલિયા પર ડામર પાથરી દીધો છે. આથી આ ગેરરીતિની તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે. અગાઉ પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી. કામમાં લોટ પાણી અને લાકડા જેવું કામ થયું હોય આ અંગે કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.
મિયાત્રા ગ્રામ પંચાયત સરપંચ ભરતસિંહ કંચવા દ્વારા કોન્ટ્રાકટરો મધુરમ ડામર પ્લાન્ટના માલિક નારિયાભાઇ તેમજ કનુભાઇ તથા પ્રવિણભાઇ વાઘેલા વિરુધ્ધ જિલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ કરાઇ છે.