જામજોધપુર તાલુકાના ગોપ ગામે પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાના આધારે પતિ તેમજ તેના પિતા અને ભાઈએ રીક્ષાચાલક યુવાન પર ઘાતક હથિયારો સાથે હુમલો કરી આડેધડ માર માર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવા પામી છે.
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગોપ ગામના અભિષેક મહેશભાઈ જોષી નામના 23 વર્ષના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ ગોપ ગામે જ રહેતાં કિશોર ઉર્ફે પિન્ટુ કાંતિલાલ જોષીની પત્ની સાથે પોતાને આડા સંબંધ હોવાની શંકા હતી. આ શંકા અને વહેમના આધારે કિશોર તેના ભાઈ રાજેશ કાંતિભાઈ જોશી તથા પિતા કાંતિલાલ મેઘજીભાઇ જોષી ત્રણેયએ સાથે મળી ધોકા, તલવાર જેવા હથિયારો સાથે અભિષેકની રીક્ષાને આંતરી હતી તેમજ આડા સંબંધનો વહેમ રાખી ત્રણેય શખ્સો અભિષેક ઉપર ધોકા અને તલવાર વડે તૂટી પડયા હતાં. આ હુમલામાં અભિષેકને શરીરે ફેકચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમણે ઉપરોકત ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની જુદી જુદી કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન હુમલાની આ ઘટનાને અંજામ આપી ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતાં. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ ઘટના અંગે જામજોધપુરના સબ ઈન્સ્પેકટર એમ.જી. વસાવા તપાસ ચલાવી રહ્યા છે.