જામનગર શહેરમાં ઈવા પાર્ક 2 માં રહેતાં વેપારી યુવાને ત્રણ લાખની વ્યાજે લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વેપારી યુવાનનું બાઈક બળજબરીપૂર્વક ધમકી આપી પચાવી પાડયાના બનાવમાં પોલીસે વધુ એક વ્યાજખોર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો ડામવા માટે શરૂ કરાયેલ ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં વ્યાપક ફરિયાદો નોંધાઈ છે. આ ઝુંબેશમાં પોલીસ વિભાગ દ્વારા ઠેક ઠેકાણે લોક દરબાર યોજી વ્યાજના વિષચક્રમાં પીડાતા લોકોને વ્યાજના ચૂંગલમાંથી બહાર કાઢવા ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક 2 અટલ બિહારી વાજપાઈ ભવન મકાન નં.ડી-208 માં રહેતાં અને વેપાર કરતા સુનિલભાઈ કાસુન્દ્રા નામના પટેલ યુવાને જામનગરના ધર્મેશ ડાભી તથા મહેન્દ્ર ડાભી પાસેથી અગાઉ રૂા.3 લાખની રકમ વ્યાજે લીધી હતી. આ રકમ વ્યાજખોરોએ વ્યાજના રૂા.1,08,000 કાપી અને રૂા.1,92,000 આપ્યા હતાં. ત્યારબાદ એક લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતાં. જેમાં 64 હજાર રૂપિયા આપી 36 હજાર વ્યાજના કાપી લીધા હતાં. ત્યાબાદ વેપારીએ વધુ 26 હજારની રકમી ભરી કુલ રૂપિયા 62 હજાર ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ વેપારી યુવાનને માર મારવાની તેમજ મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક યુવાનનું જીજે-10-ડીએમ-0853 નંબરનું બાઇક પચાવી પાડયું હતું. આ અંગે વેપારી સુનિલભાઈના નિવેદનના આધારે પીએસઆઈ વી.બી.બરબસીયા તથા સ્ટાફે વ્યાજખોર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.