Wednesday, December 25, 2024
Homeરાજ્યખેતીની જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવવા સબબ ફરિયાદ

ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવવા સબબ ફરિયાદ

પોલીસ કાર્યવાહી દરમ્યાન ફરજમાં રૂકાવટ કરતાં મહિલાઓ સામે કાર્યવાહી : દબાણકારો દ્વારા ચલાવાતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

- Advertisement -

દ્વારકા તાલુકાના અણીયારી ગામે એક રબારી પરિવારની કિંમતી એવી ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરાતાં ફરીયાદ બાદ આ સ્થળે પોલીસે કાર્યવાહી કરવા જતા આરોપી પરિવારના મહિલાઓએ ફરજમાં રૂકાવટ કરી હતી. પોલીસ તપાસમાં અહીંના એક મકાનમાં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાનું પણ ખુલવા પામ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં કુલ ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ ઓખામંડળના દ્વારકા તાલુકાના અણીયારી ગામે રહેતા સંતોકબેન ગગુભાઈ પરમાર નામના 50 વર્ષના રબારી મહિલાની માલિકીની આશરે પાંચ વીઘા જગ્યા, કે જેનો આશરે દોઢેક વર્ષ પૂર્વે દસ્તાવેજ કરી અને ખરીદ કરવામાં આવી હતી. આ જગ્યાની બાજુમાં શેઢા પાડોશી એવા ભુપતભા કરણભા સુમણીયા નામના શખ્સ દ્વારા આ જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ખેતી કરી અને તેના પર કબજો જમાવી લીધો હતો.

આશરે બાર લાખ જેટલી બજાર કિંમત ધરાવતી આ ખેતીની જમીન પચાવી પાડવા સબબ સંતોકબેન પરમાર દ્વારા દ્વારકા પોલીસ મથકમાં શનિવારે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -


આના અનુસંધાને ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ દ્વારા ધોરણસર તપાસ તથા ધરપકડ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જે સંદર્ભે લેન્ડ ગ્રેબિંગની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજા, ડી.ડી. પટેલ, હેડ કોસ્ટેબલ હરદાસભાઈ ચાવડા દ્વારકા પોલીસને સાથે રાખીને આણીયારી ગામે કાયદેસરની કાર્યવાહી કરવા પહોંચ્યા, ત્યારે આ સ્થળે રહેલા આરોપીની પુત્રી લક્ષ્મીબેન ભૂપતભા સુમણીયા (ઉ.વ. 18) તથા પુરીબેન ભૂપતભા (ઉ.વ. 45) નામના બે મહિલાઓએ તપાસનીસ પોલીસને જરૂરી કામગીરી કરતા અટકાવી, તેઓ સાથે બોલાચાલી કરી હતી.

આ બનાવના અનુસંધાને દ્વારકા પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજાની ફરિયાદ પરથી ઉપરોકત બન્ને મહિલાઓ સામે પોલીસની ફરજમાં રૂકાવટ સબબ આઈ.પી.સી. કલમ 189 તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.

આ સ્થળે પોલીસ દ્વારા તપાસ તથા ચેકિંગ કરતા તેઓના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સ્થળેથી પોલીસે દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તથા દારૂ અંગેના વિવિધ સાધનો કબજે કર્યા છે.

આ પ્રકરણમાં લેન્ડ ગ્રેબિંગના આરોપીના પુત્ર કરણાભા ભુપતભા સુમણીયાનું નામ જાહેર થયું છે. જોકે આરોપી શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. આથી દ્વારકાના પોલીસ કોન્સ્ટેબલ મહિરાજદાન ગઢવીની ફરિયાદ પરથી કરણાભા સુમણીયા સામે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આમ, આણીયારી ગામે એક પરિવાર પર લેન્ડ ગ્રેબિંગ, પોલીસની ફરજમાં રૂકાવટ તથા દેશી દારૂનો ધંધો કરવા સબબ જુદા-જુદા ત્રણ ગુનાઓ દ્વારકા પોલીસ મથકમાં નોંધાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular