જામનગરના હાપામાં ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી મહિલાના પતિને અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ હોવાથી પત્નીને અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા ક્રિષ્ના પાર્ક-3માં રહેતા ભાવનાબેન જેન્તીલાલ રાજગોર (ઉ.વ.38) નામની યુવતીને તેણીના પતિ પરેશકુમાર દ્વારા અવારનવાર માનસિક, શારીરિક ત્રાસ અપાતો હતો. દરમ્યાન ગત્ તા. 13 જાન્યુઆરીના રોજ ભાવનાબેન તેણીના માતા સાવિત્રીબેનના ઘરે હતી ત્યારે પરેશકુમારે સાસરે આવીને તેની સાસુ સાવિત્રીબેન સાથે ગાળાગાળી કરી, ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી. પરેશને નયના નામની મહિલા સાથે પ્રેમસંબંધ હોય જેથી પત્નીને સાથે રાખવા માનતો ન હોવાથી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. ભાવનાબેને તેણીના પતિ વિરૂઘ્ધ પંચકોષી ‘એ’ ડિવિઝનમાં શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પરેશ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


