ખંભાળિયા નજીકના આહિર સિંહણ રોડ પર આવેલા આરટીઓ કચેરી નજીકના મંદિર પાસેથી અત્રે ધરમપુર વિસ્તારમાં રહેતા રાકેશભાઈ માવજીભાઈ નકુમ દ્વારા રાખવામાં આવેલા રૂા.57,000 ની કિંમતના ડી.આઈ. પાઈપની ચોરી થઈ હોવાનું ગઈકાલે ખુલવા પામ્યું છે.
અજાણ્યા પાંચ જેટલા શખ્સો બે મોટરસાયકલ અને ટ્રેક્ટર ટ્રોલીમાં આવી અને આ પાઇપ ટ્રેક્ટરમાં લઈને નાસી છૂટ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે રાકેશભાઈ નકુમની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ 379 તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મીઠાપુર તાબેના ભીમરાણા ગામે આવેલા એક સર્વિસ સ્ટેશનની બાજુમાં રાખવામાં આવેલા જુદા જુદા બે ટ્રકમાંથી રૂા.10,000 ની કિંમતની બેટરીની ચોરી થવા સબબ પુનાભાઈ ભીખાભાઈ માતકા (ઉ.વ. 33, રહે. દ્વારકા) એ મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.