જામજોધપુરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતાં યુવાન વેપારીએ પાંચ વર્ષ પહેલાં રૂા.2,30,000 ની રકમ વ્યાજે લીધી હતી. જે રકમ પેટે મુદ્લ અને વ્યાજ સહિત રૂા.3,50,000 ચૂકવી દીધા હોવા છતાં બે વ્યાજખોરો દ્વારા વધુ ત્રણ લાખની પઠાણી ઉઘરાણી કરી યુવાન પાસેથી કોરા ચેક બળજબરીથી કઢાવી લીધાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
વ્યાજખોર વિરૂધ્ધની વધુ એક ફરિયાદમાં જામજોધપુરમાં ગાયત્રી મંદિર સામે રહેતાં અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરતાં પંકજ ઉર્ફે પકો લક્ષ્મણ રીબડીયા નામના વેપારી યુવાને વર્ષ 2017 થી 2019 દરમિયાન ધ્રાફા ગામના જયદીપસિંહ ઈન્દ્રસિંહ જાડેજા અને પ્રતિપાલસિંહ ઈન્દ્રસિંહ જાડેજા પાસેથી કટકે-કટકે રૂા.2,30,000 વ્યાજે લીધાં હતાં અને આ રકમ પેટે વ્યાજ સહિત રૂા.3,50,000 ની રકમ ચૂકવી દીધી હોવા છતાં બંને વ્યાજખોરો દ્વારા અવાર-નવાર યુવાનને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપતા હતા તેમજ વધુ ત્રણ લાખ રૂપિયા પડાવવા માટે પતાવી દેવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી બળજબરીપૂર્વક એસબીઆઈ બેંકના ત્રણ કોરા ચેક કઢાવી લીધા હતાં. વ્યાજખોરો દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને યુવાને બંને વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો આર.એચ.કરમુર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.