જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી વધતાં જતા કોરોના સંક્રમણને ડામવા માટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરતા અને માસ્ક ન પહેરતા લોકો વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા રાષ્ટ્રીય કૃત બેંકોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની સરકારની કોવિડ ગાઈડલાઈન સંદર્ભે જામનગરમાં જોગસ પાર્ક પાસે આવેલી બંધન બેંક, ફેડરલ બેંક, ડીસીબી બેંક, સીટી યુનીયન બેંકમાં તપાસ હાથ ધરવામાં આવતા આ ચાર બેંકોના મેનેજરો વિરૂધ્ધ 50 ટકા થી વધુ સ્ટાફ ફરજ પર હાજર હોય જે સંદર્ભે જુદા જુદા ચાર ગુનો નોંધવામાં આવ્યા હતાં.
ઉપરાંત મુસાફરોનું પરિવહન કરતા વાહનોમાં પણ 50 ટકાથી વધુ મુસાફરોને બેસાડી પરિવહન કરાતા હોય જે સંદર્ભે પાંચ કેસો નોંધવામાં આવ્યા હતાં. જ્યારે ચા-પાનની દુકાનો, હોટલો, ઠંડા-પીણાની દુકાનો, વાળંની દુકાનો, ખાણીપીણીની દુકાનો અને રેંકડીઓ તથા માસ્ક ન પહેરેલ જાહેરનામાનો ભંગ કરતા જુદા જુદા 13 લોકો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી ઉપરાંત આજથી રાજ્યના પોલીસ વડા દ્વારા લોકડાઉનમાં દુકાનો ખુલ્લી રાખતા વેપારીઓ અને લગ્ન પ્રસંગ તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં કોવિડ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત જામનગર શહેરમાં સુપરમાર્કેટમાં અનેક દુકાનો ખુલ્લી હોવાની મળેલી જાણના આધારે પીઆઈ એમ.જે. જલુની સૂચનાથી પીએસઆઈ એસ.પી. સોઢા તથા સ્ટાફે આજે સવારે ચેકીંગ હાથ ધરાતા આ વિસ્તારમાં અનેક દુકાનો ખુલ્લી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આશરે 40 જેટલા લોકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી અટકાયત કરી હતી. ઉપરાંત લગ્ન-પ્રસંગમાં સરકારની કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરાતા સ્થળોએ આજથી એલસીબી-એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા કડક ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જો આ લગ્ન પ્રસંગોમાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરાયેલો હશે તો તેમના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.