જામનગર શહેરમાં શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા કારખાનામાંથી શ્રમ અધિકારીએ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરી કામ કરતો મુકત કરાવી સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા સંસ્થા વૈદિક એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસે મજૂરી કામ કરાવતા હોવાની જાણ થતા મદદનીશ શ્રમ આયોગ કચેરીના અધિકારી ડો. ડી.ડી.રામી તથા પોલીસ સ્ટાફ રાખી સંયુકત તપાસ દરમિયાન કારખાનામાંથી કામ કરતા 14 વર્ષના ઓછી ઉંમરના બાળકને મુકત કરાવ્યો હતો તેમજ અધિકારીને કારખાનાના માલિક અશ્વિન નાથાભાઈ પરમાર નામના શખ્સ વિરૂધ્ધ ચાઈલ્ડ લેબર એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હેકો કે.જે. જાડેજા ચલાવી રહ્યા છે.