Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં કમ્મરતોડ વ્યાજ લેવા સબબ ચાર આસામીઓ સામે ફરિયાદ

દ્વારકામાં કમ્મરતોડ વ્યાજ લેવા સબબ ચાર આસામીઓ સામે ફરિયાદ

રૂા. એક લાખના રોજના એક હજાર ચૂકવવાના...!! : દ્વારકા જિલ્લામાં વ્યાજ વટાવ અંગે અગાઉ કુલ સાત ગુના નોંધાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા બેફામ વ્યાજ વસૂલતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દ્વારકામાં રહેતા એક આધેડ પાસેથી રૂપિયા એક લાખના દરરોજના રૂપિયા 1,000 નું વ્યાજ લેવા સબબ વરવાળા ખાતે રહેતા ચાર આસામીઓ સામે ગુનો નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં જલારામ સોસાયટી વિસ્તારમાં આવેલા રામદેવપીરના મંદિર પાસે રહેતા અને દેવસેવા કરતા કાનદાસ નારણદાસ દુધરેજીયા નામના 54 વર્ષીય સાધુ આધેડ દ્વારા વરવાળા ગામના રાજવીરસિંહ સોઢા, પૃથ્વીસિંહ સોઢા, હરૂભા સોઢા તથા કનકસિંહ સોઢા નામના ચાર શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી કાનદાસભાઈએ આજથી આશરે એક વર્ષ પહેલા આરોપીઓ પાસેથી રૂપિયા 1,00,000 વ્યાજે લીધા હતા. જેના રોજના રૂપિયા 1,000 લેખે ફરિયાદીએ ત્રણ મહિના સુધી કુલ નેવું હજાર રૂપિયા ચૂકવ્યા હતા. આમ રૂપિયા 90,000 નું વ્યાજ ચૂકવવા પછી પણ મુદ્દલ એક લાખ ચૂકવી દીધી હોવા છતાં પણ ફરિયાદી પાસે આરોપીઓએ યુનિયન બેન્કનો બ્લેન્ક ચેક બળજબરીપૂર્વક લખાવી લીધો હતો અને જ્યાં સુધી રૂપિયા 35,000 ની ચડત રકમ નહી આપે ત્યાં સુધી આ ચેક પરત ન આપ્યાનું તથા જો તેઓ પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી, બિભત્સ ગાળો કાઢી, બળજબરીપૂર્વક વ્યાજ કઢાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

દ્વારકા પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.એલ. બારસિયા દ્વારા હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સાંપળેલી વિગત મુજબ રાજ્ય સરકારના વ્યાજ વટાવ મુક્તિ અભિયાન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવાર સુધીમાં કુલ સાત ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં ખંભાળિયા ખાતે નોંધાયેલા ત્રણ જેટલા ગુનામાં ચાર આરોપીઓએ કુલ રૂા. 9.82 લાખ વ્યાજે આપી, તેની સામે કુલ રૂપિયા 1.18 કરોડ રોકડા, ધંધામાં ભાગીદારી, અને એક રહેણાંક મકાન લખાવી લઈ, ધાક ધમકી આપી હોવાનું જાહેર થયું છે.
દ્વારકા તાલુકામાં બે ગુનાઓ માં ચાર આરોપીઓ દ્વારા કુલ રૂા. 2.25 લાખની રકમ દસ ટકા ઊંચા વ્યાજથી આપીને રૂા. ત્રણ લાખ લઈ, ધાક ધમકી આપી હતી.

ભાણવડ તાલુકામાં નોંધાયેલા એક ગુનામાં બે આરોપીઓએ રૂા.60 હજારની રકમ વ્યાજે આપીને ડબલ રકમ તેમજ એક સોનાનો ચેન તેમજ એક રહેણાંક મકાન પચાવી પાડી, ભોગ બનનારને ધાક ધમકી આપી હતી. કલ્યાણપુર ખાતે નોંધાયેલા વ્યાજ વટાવ અંગેના ગુનામાં બે આરોપીઓ દ્વારા રૂપિયા દસ લાખ રૂપિયા આજે આપી તેની સામે રૂા. દસ લાખ રોકડા તેમજ એક ખેતીની જમીન પચાવી પાડી હતી.

- Advertisement -

આમ, જિલ્લામાં સાત જેટલા ગુનામાં 11 જેટલા આરોપીઓએ અંદાજિત રૂા. 22,62,100 આપ્યા હતા. તેની સામે બળજબરીપૂર્વક 10 થી 20 ટકા જેટલા ઊંચા વ્યાજના દરે 1,19,28,100 જેટલી રોકડ રકમ, સોનાનો એક ચેન, બે રહેણાંક મકાન તેમજ એક ખેતીની જમીન પડાવી લીધી હોવાનું જાહેર થયું છે.

આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, ખંભાળિયાના પી.આઈ. ડી.એમ. ઝાલા સહિત એલસીબી, એસઓજી તથા સ્થાનીક પોલીસ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular