જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને હટાવવા તેમજ જાહેરમાં આ રખડતા ઢોરો માટે ઘાસચારાનું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરતા પાંચ શખ્સો વિરૂધ્ધ મહાનગરપાલિકાએ વિધિવત પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અવિરત રહે છે અને આ રખડતા ઢોરોને કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે તેમાં શહેરીજનોનો ભોગ લેવાય છે. રખડતા ઢોર સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચનાથી સોલીડ વેસ્ટ શાખા દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ આ રખડતા ઢોરોને જાહેર રોડ પર એકઠાં થવા માટે ઘાસચારાનું વેચાણ કરતા શખ્સો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં સોલીડ વેસ્ટશાખાના સુનિલ ભાનુશાળી દ્વારા શહેરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર કમિશનરના જાહેરનામાનો ભંગ કરી ઘાસાચારાનું વેચાણ કરતા લક્ષ્મીબેન લાલજીભાઈ પરમાર, અનિતાબેન મનહરભાઈ કછેટીયા, સામજી લાલજી કણજારિયા, હર્ષદમીલની ચાલી પટેલનગર શેરી નં.3 માં ઘાસાચારાનું વેચાણ કરતા હેમલતા રમણિકલાલ પરમાર તથા મહાપ્રભુજીની બેઠક પાસે કિરણબેન રવિ પરમાર દ્વારા જાહેરમાં ઘાસાચારાનું વેચાણ કરી રખડતા ભટકતા ઢોરો એકઠા થવાથી અકસ્માતોની સમસ્યા વકરે છે. આ પાંચ શખ્સો વિરૂધ્ધ જાહેરનામા ભંગ હેઠળ સિટી એ ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.