ખંભાળિયા શહેરમાં તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમ અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલો સંદર્ભેના કેટલાક ઓડિયો કોઇ શખ્સ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા આ અંગે સાયબર સેલ વિભાગમાં ધોરણસર ફરિયાદ અરજી કરવામાં આવી છે.
ખંભાળિયાની એક મહિલા સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કોરોના ગાઈડ લાઈનનો ભંગ થવા સહિતના મુદ્દે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. જે સંદર્ભે કોઈ શખ્સ દ્વારા આ બનાવને વખોડી કાઢી, લોહાણા સમાજનું કથિત રીતે અપમાન થાય તેવા શબ્દોનો પ્રયોગ કરી, જ્ઞાતિમાં અંદરોઅંદર વિખવાદ તથા એકતાને નુકસાન થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો ઓડિયો વોટ્સએપમાં વાયરલ થયા બાદ આ ઓડિયોમાં કરાયેલા શબ્દોના પ્રયોગથી જ્ઞાતિજનોની લાગણીને ઠેસ પહોંચી હોવાનું જણાવી અહીંના એક જાગૃત યુવાન દ્વારા અહીંના સાયબર સેલ વિભાગનો સંપર્ક કરી, આ ઓડિયો વાયરલ કરનાર સામે લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી છે. જેમાં આ શખ્સને ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ બનાવે શહેરભરમાં તથા રઘુવંશી જ્ઞાતિમાં ભારે ચકચાર જગાવી છે.