દ્વારકામાં રહેતી એક યુવતીના ઘરે એક સપ્તાહ પૂર્વે આવેલા એક શખ્સે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી, ધાક ધમકી આપીને તેણીના કામ કરવાના સ્થળ એવા મોલના શેઠ વિશે મોબાઈલમાં ખોટું બયાન અપાવવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર સિલસિલાબંધ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતી અને નાગેશ્વર રોડ ઉપર આવેલા જે.સી. માર્ટમાં કામ કરતી 26 વર્ષીય એક યુવતીના ઘરે ગત તારીખ 26 નવેમ્બરના રોજ બપોરના સમયે આવી ધસી આવેલા બાટીસા ગામના બુધા ઉર્ફે બ્રિજેશ શીયાભાઈ ચાસિયા નામના શખ્સે પોતે પોલીસ હોવાનુ જણાવી, અને તે ભાણવડમાં રહી અને ખંભાળિયામાં નોકરી કરતો હોવાનું કહી, બળજબરીથી યુવતીના મોબાઇલનો લોક ખોલાવ્યો હતો. બાદમાં તેમના જણાવ્યા મુજબ બળજબરીપૂર્વક તેણીના નોકરીના સ્થળે એવા જે.સી. માર્ટના શેઠ વિશે ખોટું નિવેદન બોલવા મજબૂર કરી હતી.
આમ, માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી પોલીસ તરીકેની ઓળખાણ આપનાર શખ્સે વિડીયો રેકોર્ડિંગમાં પોતાના શેઠ અયોગ્ય કામ કરતા હોવા સંદર્ભેનું રેકોર્ડિંગ બળજબરીપૂર્વક કરાવી લીધું હતું. બાદમાં ધાક ધમકી આપી અને આ બાબતે કોઈને કાંઈ ન કહેવાનું જણાવી, ઉપરોક્ત શખ્સ નાસી ગયો હતો.
આમ, માર્ટના શેઠ પાસેથી પૈસા પડાવવાના ઇરાદે, ઠગાઈ કરવાના હેતુથી બળજબરીપૂર્વક કોલ રેકોર્ડિંગ કઢાવી લેવા બાબતની યુવતીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આ મુદ્દે બુધા ઉર્ફે બ્રિજેશ ચાસિયા સામે આઈ.પી.સી. કલમ 384, 170, 447, 419 તથા 506(2) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.