જામનગર શહેરમાં ગુલાબનગર સામે આવેલા પ્રભાતનગર આંગણવાડીની બાજુમાં રહેતા પરિવારમાં ગુરૂવારે સવારે મહિલા સાથે દિયરના એક વર્ષ પૂર્વેના પ્રેમસંબંધ કેમ તોડી નાખવાના મામલે ઉશ્કેરાયેલા દિયરે તીક્ષ્ણ હથિયારના ઘા વડે ભાભી ઉપર જીવલેણ હુમલો કરી અને પોતાની જાતે જ શરીરે છરીના અસંખ્ય ઘા મારી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર સામે આવેલા પ્રભાતનગર આંગણવાડીની બાજુમાં રહેતા ગોપાલ કેશુભાઇ પરમાર નામના યુવાનના ઘરે દોઢ વર્ષ પહેલા તેના કાકાનો દીકરો કિશન ફતુભાઇ પરમાર ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડિયાથી જામનગર રહેવા માટે આવ્યો હતો અને તે દરમ્યાન કિશનને ગોપાલની પત્ની હેતલ સાથે પ્રેમ થઇ ગયો હતો અને આ પ્રેમસંબધની જાણ થઇ જતા ગોપાલે કિશનને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ત્યારબાદથી આ બનાવના મામલે કિશનને ખાર રહ્યો હતો અને દરમ્યાન શુક્રવારે સવારના સમયે કિશન ગોપાલભાઇના ઘરે આવ્યો હતો અને ત્યાં હેતલ સાથે પ્રેમસંબંધ કેમ તોડી નાખ્યો તે મામલે બોલાચાલી કરી હતી.
દિયર-ભાભી વચ્ચે પ્રેમસંબંધ મામલે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા કિશને તેની ભાભી હેતલબેન પર તીક્ષ્ણ છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા લોહી-લુહાણ હાલતમાં હેતલબેન ઢળી પડ્યા હતાં. ત્યારબાદ કિશને પોતાની જાતે જ શરીર ઉપર છરી વડે આડેધડ ઘા ઝીંકી આત્મહત્યાનો પ્રયાસ કરતા કિશન પણ લોહી-લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતા લોહી-લુહાણ હાલતમાં દિયર-ભાભીને હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. જ્યાં રસ્તામાં જ કિશનનું મોત નિપજ્યું હતું. જ્યારે હેતલબેનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગેની જાણ થતા પી.આઇ. એમ. જે. જલુ તથા સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો.
જો કે પ્રાથમિક તારણમાં હત્યા કરાઇ હોવાનું અનુમાન લાગી રહ્યું હતું. પરંતુ આ પ્રકરણમાં જ્યારે મૃતકના પિતરાઇ ગોપાલભાઇ દ્વારા ફરિયાદ નોંધાવાઇ ત્યારે જ સત્ય હકીકત બહાર આવી હતી. જેના આધારે પોલીસે કિશન ફતુભાઇ પરમાર વિરૂધ્ધ તેની ભાભી હેતલબેનની હત્યાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.