જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખી એક પ્રશંસનીય અને જનહિતકારી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો પતંગોત્સવ ઉજવે છે, જેમાં પતંગની દોરીના કારણે નાના-મોટા તેમજ ગંભીર અકસ્માતોની ભીતિ રહેતી હોય છે. અનેક વખત ટુ-વ્હીલર વાહનચાલકોને ગળાના ભાગે ગંભીર ઇજાઓ જીવલેણ અકસ્માતો પણ સર્જાતા હોય છે.
આવા દુર્ઘટનાજન્ય બનાવોને નિવારવા તથા વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા જામનગર શહેર વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ખાસ સલામતી અભિયાન ચલાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ ટુ-વ્હીલર વાહનચાલકોને દોરીથી થતા અકસ્માતોથી બચાવવાનો, જનજાગૃતિ ફેલાવવાનો તથા પોલીસ અને પ્રજાજનો વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત કરવાનો રહ્યો હતો.
View this post on Instagram
આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક જયવીરસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ જામનગર ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગજ્જરની આગેવાનીમાં અંબર ચોકડી વિસ્તારમાં વિશેષ સાવચેતી ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન પો.સબ.ઇન્સ. આર.સી. જાડેજા તથા પો.સબ.ઇન્સ. એ.એચ. ચોવટ સહિતની બે ટીમો બનાવી માર્ગ પરથી પસાર થતા સંખ્યાબંધ વાહનચાલકોને નિ:શુલ્ક ગળાના સેફ્ટી ગાર્ડ (સેફ્ટી કવચ) પહેરાવી આપવામાં આવ્યા હતા.
આ સેફ્ટી ગાર્ડના ઉપયોગથી પતંગની દોરીથી ગળામાં થતી ગંભીર ઇજાઓ અટકાવી શકાય તે અંગે લોકોને સમજ આપવામાં આવી હતી તેમજ વાહનચાલકોને મકરસંક્રાંતિ દરમિયાન ખાસ સાવચેત રહેવા માટે અવેર પણ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસની આ પહેલને લોકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના તમામ વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે મકરસંક્રાંતિ તહેવાર દરમ્યાન પોતાની તથા અન્યની સલામતી જળવાઈ રહે તે માટે ટુ-વ્હીલર ચલાવતા સમયે ગળામાં સેફ્ટી ગાર્ડ ફરજીયાત પહેરે, સાવચેત રહી વાહન ચલાવે અને કોઈપણ દુર્ઘટનાને આમંત્રણ ન આપે.


