જામનગર મહાપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર વર્ષે ચોમાસા પહેલાં કરવામાં આવતી આ કામગીરી અંતર્ગત શહેરમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલની કેનાલોને સફાઇનો આરંભ કરી દેવામાં આવ્યો છે.
ખાસ કરીને સાત રસ્તાથી ઇન્દિરા માર્ગને સમાંતર પસાર થતી કેનાલ ઉપરાંત નવાગામ ઘેડ અને રામેશ્વરનગરમાંથી પસાર થતી કેનાલમાં જમા થયેલ વર્ષભરના કચરા અને કાદવને જેસીબી જેવા મશીનથી દુર કરવામાં આવી રહ્યો છે. જામ્યુકો દર વર્ષે ચોમાસા પહેલાંની આ કામગીરી માટે અડધો કરોડથી વધુનો ખર્ચ કરે છે. જો કે, આટલું ખર્ચ કર્યા પછી પણ નબળી કામગીરીની ફરિયાદો પણ સતત ઉઠતી રહે છે. ત્યારે આ વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી ઝડપભેર અને વ્યવસ્થિત થાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવે તે જરૂરી છે.