મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાયરા એનર્જી દ્વારા શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ-લોકાર્પણ કર્યું હતું. નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ઝાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર ઊભુ કરી નાયરા ગૃપે આવા કપરા સમયે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.
કોરોનાના કપરા કાળમાં લોકોને ઘર આંગણે જ ઝડપી સારવાર મળી રહે તેની કાળજી લીધી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેસો ઘટતા જાય છે પરંતુ વેક્સિનેશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સૌએ સાવચેત રહેવાનું છે. નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે એ સંભાવનાઓને ધ્યાને લઈને સરકાર દ્વારા પૂર્ણ તૈયારીઓ સાથે તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે PSA પ્લાન્ટ થકી લિક્વિડ ઓક્સિજન પર નિર્ભર રહ્યા વગર સીધો હવામાંથી જ સકસન પ્રક્રિયા વડે મેડિકલ ઓક્સિજન બનાવી શકાય છે. આનાથી 300 ટન જેટલી ઓક્સિજન ક્ષમતા વધશે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારે રાજ્યમાં આવા 36 પ્લાન્ટ સ્થાપવાના શરૂ કર્યા છે. નાયરા એનર્જી દ્વારા આવા બે પ્લાન્ટ જામનગર તથા દ્વારકા ખાતે જનસેવામાં સમર્પિત થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર કોરોનાની બીજી લહેર સામે વધુ સક્ષમ અને સંભવિત ત્રીજી લહેર સામે સજ્જ બન્યું છે.
હાલ મ્યુકરમાઈકોસીસનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે આ રોગની સારવાર માટે દર્દીઓ માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન દવાઓ મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ તાઉ-તે વાવાઝોડાના સંદર્ભમાં કહ્યું કે આ વાવાઝોડા ને કારણે નુકશાન પામેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પરિસ્થતિ પૂર્વવત્ કરવાની તેમજ નુકસાનીના સર્વે નીં કામગીરી શરૂ કરી ઝડપથી સ્થિતિ થાળે પડે એ દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને લઇને જામનગર જિલ્લામાં સુંદર કામગીરી ચાલી રહી છે ત્યારે લોકો પણ સતત જાગૃત રહે અને તમામ ગામો કોરોના મુક્ત બને તેવી તકેદારી રાખવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
કૃષિ મંત્રી આર.સી.ફળદુ એ જામનગર જિલ્લાની જનતા વતી નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કોવિડ મહામારીના સમયમાં માનવતાની વ્હારે આવવા માટે નાયરા એનર્જી આગળ આવી છે તે અભિનંદનીય બાબત છે. જામનગરની જનતાને આ મહામારીના સમયમાં નાયરા ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવાથી ઘર આંગણે જ શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થશે. મારું ગામ કોરોના મુક્ત ગામ ના જન અભિયાન માં આ કોવિડ કેર સેન્ટર આ જિલ્લા માટે આરોગ્ય સેવા નું માધ્યમ બનશે એમ પણ તેમણે ઉમેર્યું હતું. નાયરા ગ્રુપ માનવજાત જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે મદદરૂપ થવા આગળ આવ્યું છે ત્યારે આવનારા સમયમાં નાયરા ગૃપ ચોક્કસ પોતાનું નામ વધુ રોશન કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સાંસદ પૂનમબહેન માડમે આ વિસ્તારમાં નાયરા એનર્જીએ તાત્કાલિક મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ સહિતની તમામ સુવિધાઓ સાથેની કોવિડ હોસ્પિટલ જનસેવામાં સમર્પિત કરી એ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પૂનમબહેને જણાવ્યું હતું કે, દર્દીઓને કોવિડ કેર અન્વયે તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારની નાનામાં નાની વ્યવસ્થા અહીં ઊભી કરી નાયરા ગૃપે આ મહામારીના સમયમાં લોકોની ચિંતા કરી છે. એક પરિવારની જેમ નાયરા ગ્રુપ આપણી સાથે મજબૂતીથી ઊભું છે ત્યારે આવનારા સમયમાં નાયરા ગ્રુપ આપણાં વિસ્તારનું મજબૂત અંગ બની જશે તેમ પણ સાંસદએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, નાયરા ગ્રુપના સી.ઈ.ઓ. એલ્યોસ, રિફાઇનરી ડાયરેક્ટર પ્રસાદ પાનીકર, અગ્રણી લગધિર સિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, દિલીપભાઈ ભોજાણી, પી.આર.જાડેજા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.