કૈલાશ માનસરોવર યાત્રાનું સંચાલન કરતી નોડલ એજન્સીને અત્યાર સુધી વિદેશ મંત્રાલય દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી. જેના કારણે સતત ચોથા વર્ષે આ વાર્ષિક તીર્થયાત્રાનું સંચાલન થશે કે નહીં તેના પર આશંકાના વાદળો ઘેરાયા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં સ્થિત લિપુલેખ પાસના માધ્યમથી દર વર્ષે આ યાત્રાનું સંચાલન કરાતું હતું. જોકે કોરોના મહામારીના કારણે 2020 બાદથી આ યાત્રા સ્થગિત કરાઈ હતી. યાત્રાનું સંચાલન કરતી નોડલ એજન્સી કુમાઉં મંડલ વિકાસ નિગમ અધિકારી એ.પી.વાજપાયીએ કહ્યું કે વિદેશ મંત્રાલયથી અત્યાર સુધી યાત્રા વિશે કોઈ માહિતી મળી નથી અને ન તો તેની સત્તાવાર વેબસાઈટ પર કોઈ માહિતી ઉપલબ્ધ છે.
પિથૌરાગઢના જિલ્લાધિકારી રીના જોશીએ પણ એ વાતની પુષ્ટી કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા તીર્થયાત્રાના સંચાલન વિશે કોઈ માહિતી અપાઈ નથી. વાજપાયીએ પણ કહ્યું કે જો બધુ સામાન્ય હોત તો આ મામલે અત્યાર સુધી નવી દિલ્હી અને પિથૌરાગઢમાં બેઠક પણ યોજાઈ ચૂકી હોત. યાત્રા માટે ઓનલાઈન અરજીઓ પણ મગાવાઈ હોત પણ એવું કંઇ જ થયું નથી. યાત્રાના મેનેજમેન્ટનો 35 વર્ષનો અનુભવ ધરાવતા નિગમના મેનેજર દિનેશ ગુરુરાનીએ કહ્યું કે 1981માં લિપુલેખ પાસના માધ્યમથી શરુ થયેલી કૈલાસ માનસરોવર યાત્રામાં 2019 સુધી દર વર્ષે આશરે 1,000 શ્રદ્ધાળુ તિબેટમાં સ્થિત પવિત્ર કૈલાશ પર્વત અને માનસરોવરની મુલાકાત લે છે.