ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે ત્રણ સપ્તાહ પૂર્વે વરસી ગયેલા નોંધપાત્ર વરસાદ બાદ મેઘરાજાની લાંબી બ્રેકએ સૌને અકળાવી મુકયા છે. ખંભાળિયા પંથકના ધરતીપુત્રો પ્રથમ વરસાદ બાદ ભીમ અગિયારસના શુકન સાચવી અને ખેતરોમાં વાવેતર કરી ચૂક્યા છે. પરંતુ વરસાદ ખેંચાઇ જતાં ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
આ વચ્ચે હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના વચ્ચે આજરોજ શનિવારે સવારથી ખંભાળિયા પંથકમાં વાતાવરણમાં નોંધપાત્ર પલટાનો અનુભવ લોકોએ કર્યો હતો. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સવારે હળવા અમીછાંટણા પણ વરસ્યા હતા. હાલનો વરસાદી માહોલ તથા હવામાન આગાહી વિભાગની આગાહી જોતા હવે મેઘાના મંડાણ થાય તેવી પૂરી શક્યતા જોવા મળે છે.