દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ગઈકાલે રવિવારે સાંજે સતવારા જ્ઞાતિના એક પરિવારજનોની જગ્યા પાસેના પ્લોટ પર સતવારા તથા દલિત સમાજના વ્યક્તિઓ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું.
કથિત રીતે દિવાલના બાંધકામ બાબતે તકરાર થઈ જતા બંને જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં પથ્થરમારાનો પણ બનાવ બનતા આ બઘડાટીમાં મહિલાઓ સહિત આશરે 8 થી 9 જેટલા લોકોને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.
ઈજાગ્રસ્ત વ્યક્તિઓને ખંભાળિયાની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ જાણ થતા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ સાથે એલ.સી.બી. અને એસ.ઓ.જી. સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
નાના એવા રાણ ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આ બનાવ અંગે મોડીરાત્રી સુધી પોલીસ ફરિયાદ થઈ ન હતી. આ પ્રકરણમાં પોલીસે અટકાયતી કાર્યવાહી કરી હતી અને સામ-સામા પક્ષે પોલીસ ફરિયાદ થવા અંગેની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.