ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે શનિવારે એક જ કુટુંબના બે પરિવારો વચ્ચે જમીનના શેઢા બાબત ચાલતા મનદુ:ખના લીધે અથડામણ સર્જાઈ હતી. જેમાં પથ્થર, લાકડી એવા હથિયારોનો છૂટથી ઉપયોગ થયો હતો. આ બઘડાટીમાં એક જ કુટુંબના કુલ સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા નગાભાઈ ધનાભાઈ ગોજીયા નામના 40 વર્ષના યુવાન તથા તેમના પરિવારજનોને તેમના મોટા બાપુના દીકરા રણમલભાઈ તથા મશરીભાઈ ગોજીયા સાથે જમીનના શેઢા બાબતે ઘણા સમયથી વાંધો પડી ગયો હતો. જે બાબતનું મન દુ:ખ રાખી અને શનિવારે રણમલભાઈ દેવાણંદભાઈ ગોજીયા, મશરીભાઈ દેવાણંદભાઈ ગોજીયા, રામદેભાઈ મશરીભાઈ ગોજીયા અને ભાવેશ મશરીભાઈ ગોજીયા નામના ચાર શખ્સોએ લાકડી તથા પથ્થરના ઘા વડે હુમલો કરી, ફરિયાદી નગાભાઈ તથા તેમના પરિવારજનોને ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં નગાભાઈની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ચાર શખ્સો સામે આઈ.પી.સી. કલમ 337, 506 (2) વિગેરે મુજબ ગુનો નોંધ્યો છે.
સામા પક્ષે રણમલભાઈ દેવાણંદભાઈ ગોજીયા (ઉ.વ. 35) એ તેમના કાકાના દીકરા નગાભાઈ તથા કારાભાઈ ધાનાભાઈ ઉપરાંત ધાનાભાઈ ભાયાભાઈ ગોજીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી રમણભાઈને જમીનના શેઢા બાબતે ચાલતા મનદુ:ખના કારણે આરોપી શખ્સોએ તલવાર તથા લાકડી સાથે ફરિયાદી રણમલભાઈના ઘરે આવી અને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી, પથ્થરના ઘા મારીને ઈજાઓ પહોંચાડી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસ આઈ.પી.સી. કલમ 337, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ ભીમશીભાઈ ગોજીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.