જામનગર શહેરમાં જુદી જુદી એજન્સીઓના ખોદકામને લઇ એક સપ્તાહમાં ચોથીવાર વિજફોલ્ટ સર્જાતા નાગરિકો પરેશાન થયા છે. શહેરના ઇન્દિરા માર્ગ, વાલ્કેશ્વરીનગરી, જી.જી. હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં ખોદકામને કારણે એક સપ્તાહમાં જ ચોથી વખત અંડર ગ્રાઉન્ડ વિજ કેબલ કપાતા રહેવાસીઓને કલાકો સુધી વિજકાપનો સામનો કરવો પડે છે. આથી વિજ તંત્રને પણ ભારે નુકસાની થઇ રહી છે. માટે એજન્સીઓ તકેદારીપૂર્વક ખોદકામ કરે તેવી માગણી ઉઠવા પામી છે.
જામનગર શહેરમાં પાસ કરીને ઇન્દિરા માર્ગ કે જ્યાં ફલાયઓવરનું કામ ચાલી રહ્યું છે, અને જુદા જુદા વિસ્તારમાં ખોદ કામ દરમિયાન પીજીવીસીએલના અંડર ગ્રાઉન્ડ કેબલને વારંવાર નુકસાની પહોંચે છે અને આસપાસના વિસ્તારમાં માનવ સર્જિત વીજકાપ લાગુ પડી જાય છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઇન્દિરા માર્ગ, સાત રસ્તા સર્કલ, વાલ્કેશ્વરી નગરી, અને જી.જી. હોસ્પિટલ રોડના વિસ્તારમાં આવી ચાર વખત ઘટના બની છે. જેસીબી મશીન વગેરેના ખોદકામને લઈને અંડરગ્રાઉન્ડ કેબલ કપાઈ જવાના કિસ્સાઓ બન્યા છે.
ગત બીજી ફેબ્રુઆરીએ, ઉપરાંત 3 ફેબ્રુઆરી, 7 ફેબ્રુઆરી અને 9 ફેબ્રુઆરી એમ એક સપ્તાહમાં ચાર વખત ઉપરોક્ત વિસ્તારોમાં ખોદકામને લઈને વીજ ફોલ્ટ સર્જાયા છે, અને કલાકો સુધી સ્થાનિક રહેવાસીઓએ વીજ કાપ ભોગવવાનો વારો આવે છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ફલાયઓવરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તે સ્થળે ખાનગી કંપની દ્વારા ખોદકામ વખતે આવી ઘટનાઓ બને છે, ઉપરાંત અન્ય જુદી જુદી એજન્સીઓ મારફતે પણ જી.જી. હોસ્પિટલ રોડ, સાત રસ્તા, તેમજ વાલકેશ્ર્વરી નગરી સહિતના વિસ્તારમાં પણ આ ખોદકામ દરમિયાન આવા વિજ ફોલ્ટ સર્જાયા છે, જેના કારણે લોકો વીજકાપનો ભોગ બની રહ્યા છે. સાથોસાથ વિજ તંત્રને પણ કેબલ ફોલ્ટના કારણે ભારે નુકસાની ભોગવવી પડે છે. જેથી આ બાબતે પૂરતી તકેદારી રાખવી જોઈએ તેવી માંગ ઉઠી છે. જે એજન્સીઓ દ્વારા જે તે વિસ્તારમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હોય ત્યારે વિજ તંત્રને સાથે રાખીને જો ખોદકામ કરવામાં આવે તો, આ અકસ્માતો નિવારી શકાય તેમ છે.
આ ઉપરાંત વર્તમાન ઝાકળ ભર્યા દિવસોમાં વહેલી સવારે પણ વિજ ફોલ્ટ સર્જાઇ રહ્યા છે. તાજેતરમાં મકરસંક્રાંતિના મહોત્સવને લઈને કેટલાક પતંગો વીજ વાયરોમાં ફસાયેલા છે તેના કારણે પણ વિજ ફોલ્ટ સર્જાય છે. કેટલાક લોકોએ પતંગ ની મોજ માણવા માટે પ્લાસ્ટિકના દોરાનો ઉપયોગ કર્યો હશે જે પ્લાસ્ટિકના દોરા ના કારણે કેટલાક કેબલમાં ફોલ્ટ થઈ રહ્યા છે. ખાસ કરીને બેડી વિસ્તારમાં આવા બનાવો વધી ગયા છે અને તાજેતરમાં બેથી ત્રણ વખત વહેલી સવારે ઝાકળના કારણે વીજ ફોલ્ટ સર્જાયા છે. જોકે તડકો નીકળી ગયા પછી જ ફોલ્ટ દૂર થઈ જાય છે. પરંતુ ત્યાં સુધી વીજ તંત્રને કવાયત કરવી પડી રહી છે. અને પ્રત્યેક પોલ ટુ પોલ વીજ વાયર નું ચેકિંગ કરવું પડે છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઇન્દિરા માર્ગ, જી.જી. હોસ્પિટલ વાલકેશ્ર્વરી નગરી સહિતના વિસ્તારોમાં માનવસર્જિત ક્ષતિના કારણે વીજ તંત્રને પણ ભારે કવાયત કરવી પડી છે, અને સ્થાનિક રહેવાસીઓએ પણ વીજ કાપનો સામનો કરવો પડી રહ્યો છે.