ચીનના સૌથી મોટા રોકેટના અવશેષો ધરતીના વાયુમંડળમાં પ્રવેશ્યા બાદ આ કાટમાળ હિંદ મહાસાગરમાં ખાબક્યો હતો. જો કે, વાયુમંડળમાં પ્રવેશ સાથે જ કાટમાળના મોટા હિસ્સાને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે પહેલેથી જ જાણકારી આપી રાખી હતી કે, રોકેટના અવશેષોને ધરતીના વાયુમંડળમાં પ્રવેશ સાથે જ ફરીથી સળગાવી દેવામાં આવશે અને તેનાથી નુકસાનનો અંદાજો પણ ઘટી જશે.
અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોને થોડા દિવસ પહેલા ચીનના જે લોન્ગ માર્ચ 5બી રોકેટની ધરતી સાથે અથડાવાની ચેતવણી આપી હતી તે આખરે હિંદ મહાસાગરમાં પડ્યું છે. ચીની મીડિયાના અહેવાલ પ્રમાણે તે ભારતના દક્ષિણપૂર્વમાં શ્રીલંકા અને માલદીવની આજુબાજુમાં પડ્યું છે. અમેરિકી સ્પેસ ફોર્સના અહેવાલ પ્રમાણે તે 18,000 મીલ પ્રતિ કલાકની ઝડપે ધરતી તરફ આવી રહ્યું હતું. આ કારણે તે ક્યાં લેન્ડ થશે તેની પૃષ્ટિ નહોતી થઈ શકી.