સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ પોતે થોડા દિવસમાં જ લંડનથી ભારત પરત આવશે અને કંપનીના પુણે ખાતેના પ્લાન્ટમાં કોવિડ વેક્સિન કોવિશીલ્ડનું ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યું છે તેવી માહિતી આપી હતી. પૂનાવાલાના કહેવા પ્રમાણે ભારત પરત આવ્યા બાદ તેઓ કોવિશીલ્ડના ઉત્પાદનની સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અચાનક જ પૂનાવાલા લંડન જતા રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે પોતાને ધમકીઓ મળી રહી હોવાનું જણાવીને સૌને ચોંકાવી દીધા હતા. તેમના કહેવા પ્રમાણે ભારતમાં તેમને કોરોના વેક્સિન માટે અનેક ફોન આવી રહ્યા હતા જેમાં પ્રભાવશાળી લોકોની ધમકીઓ મળી રહી હતી.
પૂનાવાલાએ કરેલા દાવા પ્રમાણે તેમને રાજ્યોના મુખ્યમંત્રી, ઈન્ડસ્ટ્રી ચેમ્બર્સના પ્રમુખ અને અનેક પ્રભાવશાળી હસ્તિઓ ધમકી આપી રહી હતી. તેઓ ફોન પર કોવિશીલ્ડ વેક્સિન તાત્કાલિક પૂરી પાડવા માંગણી કરતા હતા. સાથે જ તેમણે પોતે વેક્સિન નિર્માણના વિસ્તારની યોજના સાથે લંડન આવ્યા હોવાનો સંકેત પણ આપ્યો હતો.
અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે અદાર પૂનાવાલાને સીઆરપીએફ તરફથી વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. તેમાં 11 જવાન હોય છે જેમાં 1-2 કમાન્ડો અને પોલીસકર્મી પણ સામેલ હોય છે. તેમને આ સુરક્ષા દેશભરમાં પ્રદાન કરવામાં આવી છે.