પીજીવીસીએલની 33 ટીમો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ભાટીયા સબ ડીવીઝનના વિસ્તારોમાં આજે બીજા દિવસે કોર્પોરેટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગર શહેરના દરબારગઢ અને નગરસીમ ડીવીઝનના વિસ્તારોમાં પીજીવીસીએલની 37 ટીમો દ્વારા સોમવારે હાથ ધરાયેલા ચેકીંગમાં 472 જોડાણોમાંથી 85 માં ગેરરીતિ ઝડપાતા રૂા.31.65 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ આજે બીજા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દુધિયા, રાજપરા, કાનપર શેરડી, ગાગા, બાટડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 33 ટીમો દ્વારા 14 એસઆરપી, 18 લોકલ પોલીસ, ત્રણ એકસઆર્મી મેન અને ત્રણ વીડિયોગ્રાફરો સાથેના બંદોબસ્ત વચ્ચે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પૂર્વે સોમવારે જામનગર શહેરના દરબારગઢ અને કાલાવડ ગેઈટ તથા નગરસીમ સબ ડીવીઝનના જેલ રોડ, રજાનગર, રવિપાર્ક, ગુલાબનગર, સનસીટી તથા કાલાવડનાકા બહારના વિસ્તારોમાં 37 ટીમો દ્વારા 13 એસઆરપી જવાન, 24 લોકલ પોલીસ, 8 એકસઆર્મી મેન અને 03 વીડિયોગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે કુલ 472 વીજ જોડાણો તપાસવામાં આવ્યાં હતાં જે પૈકીના 85 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.31.65 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.