કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાળા ગામે રહેતા એક મહિલા પર તેમના સગાભાઈ સહિતના પરિવારજનોએ વારસાગત મિલકતના વિવાદ સંદર્ભે જીવલેણ હુમલો કરતા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા સંતોકબેન મસરીભાઈ મોઢવાડિયા નામના 58 વર્ષના મેર મહિલા તથા તેમના સગાભાઈ ગીગાભાઈ મસરીભાઈ મોઢવાડિયા વચ્ચે તેઓની વારસાગત જમીન બાબતનો વિવાદ ચાલતો હતો. આ જગ્યાના સમગ્ર પ્રકરણ અંગે સંતોકબેને કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો.
આ અંગેનો ખાર રાખી સંતોકબેનના સગાભાઈ ગીગાભાઈએ સંતોકબેનને મારી નાખવાના ઈરાદાથી લાકડાના ગેડીયા વડે હુમલો કરી, હાથમાં તથા પાંસળીમાં ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, ગીગાભાઈ સાથે તેના પુત્ર ભરત ગીગાભાઈ અને કાના ગીગાભાઈએ પણ સંતોકબેનને ઢીકા-પાટુનો માર મારતા તેણીને ફેફસા તથા લીવરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. આરોપી શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી, ઈજાઓ કરવા સબબ સંતોકબેન મોઢવાડિયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે પિતા-પુત્રો સામે આઈ.પી.સી. કલમ 307 સાથે 325, 323, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.