કેન્દ્ર સરકારે ભારતની બે અગ્રણી વેક્સિન ઉત્પાદન કંપનીઓ સીરમ ઈન્સ્ટિટયૂટ અને ભારત બાયોટેકને રસીના ભાવમાં ઘટાડો કરવાની વિનંતી કરી હતી. જોકે, કંપનીઓએ હજુ સુધી તેનો કોઈ જવાબ આપ્યો ન હતો.
હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે વેક્સિનના ભાવ જાહેર કર્યા હતા. એ પ્રમાણે આ કંપની સરકારને એક ડોઝ 600 રૂપિયામાં આપશે અને ખાનગી હોસ્પિટલોને એક ડોઝ 1200 રૂપિયામાં મળશે. પૂનામાં આવેલી સીરમ ઈન્સ્ટિટયૂટ દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની છે. આ કંપનીએ પણ ભાવ નિર્ધારિત કર્યા હતા. એ પ્રમાણે સીરમ એક ડોઝના સરકાર પાસેથી 400 લેશે અને ખાનગી હોસ્પિટલોને એક ડોઝ 600 રૂપિયામાં પડશે. ભારતમાં વેક્સિનનો ત્રીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. 18થી 45 વર્ષની વયજૂથના લોકોને વેક્સિન અપાશે. આ વયજૂથમાં વધુમાં વધુ લોકો હોવાથી મોટાપાયે વેક્સિનની જરૂર પડશે. એવા સમયે રાજ્યોએ રસની કિંમત ઘટાડવાની માગણી કરી હતી. તે મુદ્દે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાના નેતૃત્વમાં વેક્સિનના ભાવ બાબતે એક બેઠક યોજાઈ હતી.
એ પછી સરકારે બંને કંપનીઓને ભાવ ઘટાડવાની અપીલ કરી હતી. વિપક્ષી મુખ્યમંત્રીઓએ તો પહેલાથી જ આ ભાવનો વિરોધ કર્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રજૂઆત કરી હતી કે નાગરિકોને માત્ર 150 રૂપિયામાં એક ડોઝ મળે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે વેક્સિન મેકર્સને 1.11 લાખ કરોડનો નફો લેવાની પરવાનગી આપી છે, જે યોગ્ય નથી. આ સમયે નફો લીધા વગર વેક્સિન મળે તે જરૂરી છે.