દેશમાં કોરોનાના કેસનો ઘટાડો થતા જ બેફિકર બનેલા લોકો હિલસ્ટેશન અને બજારોમાં ઘુમવા લાગતા સ્થિતિ ચિંતાજનક બની છે. કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવે આ અંગે ચેતવણી જાહેર કરી લોકોને કોરોના પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવા અન્યથા આપવામાં આવેલી છૂટછાટો પાછી ખેંચી લેવાની ચેતવણી આપી છે.
કોરોનાના કેસો ઘટવાની સાથે જ માર્કેટ અને જાહેર સ્થળોએ લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. કોરોનાના પ્રોટોકોલનો ભંગ કરીને અનેક લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટંસનું પાલન કર્યા વગર ફરી રહ્યાની તસવીરો વાઇરલ થઇ રહી છે. જેની જાણકારી સરકાર સુધી પહોંચતા આ અંગે ચેતવણી જારી કરાઇ છે. કેન્દ્રએ કહ્યું હતું કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન વગર લોકો મોટી સંખ્યામાં ટોળે વળી રહ્યા છે તે દુ:ખદ છે. મનાલી, શિમલા, મસૂરી વગેરે હિલ સ્ટેશનો અને પર્યટક સૃથળો, માર્કેટમાં લોકોના ટોળેટોળા દેખાઇ રહ્યા છે. જેને પગલે કેન્દ્રએ ચેતવણી જારી કરતા કહ્યું છે કે હજુ કોરોના વાઇરસ ખતમ નથી થયો. એવામાં આ પ્રકારે પ્રોટોકોલ તોડવામાં આવશે તો કેસો ફરી વધી શકે છે.