મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી, જામનગર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેક જાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન, વ્હાલી દીકરી યોજના તેમજ દીકરી જન્મ વધામણાં જેવા અનેક કાર્યક્રમોનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકોમાં જાગૃતિ વધે અને સમાજમાં દીકરા-દીકરી પ્રત્યે જોવા મળતા ભેદભાવો દૂર થાય. દર વર્ષે સમગ્ર દેશમાં તા. 24 જાન્યુઆરીના રોજ ’રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત, જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ’રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
ગત તા. 24 જાન્યુઆરીના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના 85 જેટલા નવજાત દીકરીઓના વાલીને ‘દીકરી વધામણાં કીટ’ અર્પણ કરવામાં આવી હતી. નવજાત જન્મેલ બાળકીઓની માતાઓને સ્તનપાન વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ ધાત્રી માતાઓને વ્હાલી દીકરી યોજના વિષે માહિતી અપાઈ હતી. આ દીકરી વધામણાં કીટમાં નાના શિશુ માટેના કપડાં, જોહન્સન કંપનીની બેબી કેર કીટ, રમકડાં, મચ્છરદાની તેમજ બાળકને ઓઢાડવા માટેની ગોદડી. આમ બાળ સંભાળ માટેની જરૂરી વસ્તુઓ વાલીને અર્પણ કરવામાં આવે છે.
કાર્ય્રક્રમના અંતે રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલા અને બાળ કલ્યાણ અંગેની વિવિધ યોજનાઓ અંગેની માહિતી દર્શાવતા પેમ્ફલેટનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર, હંસાબેન ટાઢાણી, રુકસાદબેન ગજણ, જી.જી. હોસ્પિટલ સ્ત્રી રોગ વિભાગના વડા ડો. નંદિની આનંદ, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર તેમજ જી.જી. હોસ્પિટલના અન્ય કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.