આઈએનએસ વલસુરા, જામનગર દ્વારા સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ‘યોગ સાથે રહો, ઘરે રહો’ થીમ અંતર્ગત યોજવામાં આવી હતી. યુનિટ દ્વારા આયોજિત અસંખ્ય પ્રવૃત્તિઓમાં સેવાના કર્મચારીઓ, તાલીમાર્થીઓ, સંરક્ષણ નાગરિકો, ડીએસસીના જવાનો અને પરિવારો સહિત આશરે 2000 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત બેસ્ટસેલર ‘કોર્પોરેટ ચાણક્ય’ અને અન્ય ચાણક્ય શ્રેણીના જાણીતા લેખક ડો.રાધાકૃષ્ણન પિલ્લઇના ઓનલાઇન સંબોધન થી થઈ હતી. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી પરિવારો માટે યોજાયેલી વર્ચુઅલ સ્લોગન સ્પર્ધાના ઇનામ વિજેતાઓ અને તાલીમાર્થીઓ માટે યોજાયેલ ઓનલાઇન ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. બંને સ્પર્ધાઓ COVID-19 પ્રોટોકોલને પગલે વિવિધ યોગાસનો વિશે જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી હતી.
સ્થાપનાના તાલીમાર્થીઓ અને કર્મચારીઓએ તેમના રહેઠાણના સ્થળો એથી આસનો કર્યા હતા. આ ઉપરાંત NWWA (વાલસુરા) દ્વારા 5 થી 15 વર્ષની વય જૂથનાં બાળકો માટે ‘વર્ચ્યુઅલ ફન યોગા’ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિક્ષક અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના શ્રી શ્રી સંસ્કાર કેન્દ્ર શિક્ષક આરતી ખુરાનાએ સત્ર યોજ્યું હતું. જેમાં બાળકોના લાભ માટે વિવિધ આસનોનું નિદર્શન કરાયું હતું. ઓનલાઇન યોગા સ્પર્ધાનું પણ સંકલન કર્યું હતું જેમાં પરિવારોને ઘરે યોગા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા આગળ કરાયેલ વિડિઓ રેકોર્ડિંગ્સના આધારે શ્રેષ્ઠ કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યો હતો.