જામનગર શહેરમાં ગઇકાલે રવિવારે મકર સંક્રાંતિ પર્વની ધામધૂમપૂર્વક અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ અગાસી-ધાબા પર ‘કાપ્યો છે’નો નાદ ગુંજી ઉઠયો હતો. શહેરીજનોની સાથે સાથે જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પણ પતંગ ચગાવી પોલીસ પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમજ શહેરીજનોએ ઉંધિયાનું આસ્વાદ પણ માણ્યો હતો.
જામનગર સહિત રાજ્યભરમાં ગઇકાલે ઉમંગ-ઉત્સાહ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વને લઇ શનિવારે છેલ્લી ઘડીએ બજારોમાં પતંગ-શેરડી, જિંજરા, બોર, ચીકી સહિતની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી જોવા મળી હતી. તેમજ ગઇકાલે ઉત્તરાયણ નિમિત્તે દાનનું પણ અનેરુ મહત્વ હોય, શહેરીજનોએ ગાયોને ઘાસચારો તેમજ બાળકોને લાડુ વિતરણ સહિતના દાનમાં પૂણ્યનું ભાતુ બાંધ્યું હતું. તો બીજીતરફ યુવાધન અગાસી ઉપર પતંગ ચગાવી કાપ્યો છેના નાદ સાથે પતંગોત્સવ મનાવ્યો હતો. શહેરીજનોનો ઉત્સાહ આભે આંબતો જોવા મળ્યો હતો. સવારથી જ અગાસી, ધાબા પર લોકો જિંજરા, ચીકી સહિતની વસ્તુઓ લઇ જોવા મળ્યા હતાં. તેમજ લોકોએ અગાસી ઉપર સાઉન્ડ સિસ્ટમ ગોઠવી ગીતોના સથવારે પતંગ ચગાવ્યા હતાં.
આગામી તા. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય, ગઇકાલે અગાસી ઉપર સાઉન્ડ સિસ્ટમોમાં પણ ભગવાન શ્રીરામના ગીતો ગુંજી ઉઠયા હતાં. શહેરીજનો બ્યૂગલ અને રંગબેરંગી ચશ્મા સાથે પતંગ ચગાવી આકાશમાં અવનવા પતંગોની રંગોળી સર્જી હતી. તો બીજીતરફ શહેરમાં ઠેક-ઠેકાણે ઉંધીયુ વેચાણનું આયોજન પણ થયા હતાં. જેમાં પણ શહેરીજનોએ ઉંધીયાની ખરીદી કરી પતંગ ચગાવી બપોરના સમયે ભોજનમાં ઉંધીયાનો આસ્વાદ માણ્યો હતો.
શહેરીજનોની સાથે સાથે ઉત્તરાયણના પાવન પ્રસંગે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ પોલીસ પરિવાર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પણ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ ઉપરાંત જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ પણ તેઓના પરિવારો સાથે પતંગ મહોત્સવમાં જોડાયા હતાં.