ચૈત્ર મહિનાના સુદપક્ષની નોમ તિથિએ ભગવાન શ્રી રામના ધર્મોત્સવની ઉજવણીરૂપે રામનવમીની ઉજવણી કરવામાં આવે છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દરવર્ષે રામનમવની ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે રામનવમીની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવશે. છોટીકાશીમાં યોજાતી પરંપરાગત રામસવારીનું આયોજન પણ રદ્ કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરના વિશ્ર્વ પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર ખાતે પણ આ વર્ષે રામનવમીની સાદગીપૂર્વક ઉજવણી થશે. હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય, જેને ધ્યાને લઇ બાલા હનુમાન મંદિર શ્રી રામનવમી તેમજ હનુમાન જયંતિ દરમિયાન દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિર ખાતે ચાલતી અખંડ રામધૂનમાં પણ મર્યાદિત સંખ્યામાં આયોજકો ઉપસ્થિત રહેશે. આ ઉ5રાંત ટ્રસ્ટ દ્વારા મંદિરની બહાર પણ ભીડ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે દર્દીઓ તથા વડીલોની સેવા માટે સ્વયંસેવકોની પણ જરૂર છે. કલેકટર દ્વારા પણ આ અંગે વિનંતી કરવામાં આવી છે. આથી જે લોકો સ્વેચ્છાએ સ્વયંસેવક તરીકે સેવા આપવા માંગતા હોય તેમણે પણ તેમના નામ-સરનામા બાલા હનુમાન મંદિરની ઓફિસમાં લખાવવા ટ્રસ્ટી મંડળ દ્વારા અનુરોધ કરાયો છે. દરવર્ષે ભવ્ય રીતે ઉજવાતી રામનવમીને કોરોનાનું ગ્રહણ લાગતાં સાદગીપૂર્વક ઉજવણી થઇ રહી છે.