સનાતન ધર્મમાં કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને કરવા ચોથના વ્રત તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર તિથિએ મહિલાઓ અખંડ સૌભાગ્યની કામના માટે નિર્જળા વ્રત રાખે છે. આ વર્ષે કરવા ચોથનું વ્રત આજે 13 ઓક્ટોબરે રાખવામાં આવ્યું હતું.
હિંદુ ધર્મ સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ તહેવાર પર મહિલાઓ દ્વારા 16 શ્રૃંગાર અને પૂજામાં વિશેષ ચાળણી દ્વારા ચંદ્ર દર્શન કરવાની પરંપરા છે. કરવા ચોથની પૂજામાં ચંદ્રદેવને અર્ધ્ય ચઢાવતી વખતે પરિણીત મહિલાઓ ચાળણીમાંથી ચંદ્રને કેમ જુએ છે, ચાલો જાણીએ આ પરંપરા પાછળનું રહસ્ય.
કરવા ચોથ વ્રતની કથા
ધાર્મિક માન્યતા અનુસાર એક શાહુકારને સાત પુત્રો અને એક પુત્રી હતી. એકવાર એક શાહુકારની પુત્રી તેના પિયર આવી અને તેના સુહાગના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનો ઉપવાસ કર્યો. પરંતુ પાણી પીધા વિના ઉપવાસને કારણે તેની તબિયત બગડવા લાગી ત્યારે તેના ભાઈઓએ વ્રત તોડવા માટે એક વૃક્ષની આડમાં ચાળણીની પાછળ એક સળગતો દિવો મુકી દીધો અને તેને ચંદ્રમાં માની આઘ્ય અર્પણ કરી વ્રત ખોલાવી દીધું. માન્યતા છે કે ભાઈઓ દ્વારા કરવામાં આવેલા આ છળથી તેનું વ્રત તૂટી ગયું અને કરવા માતાએ નારાજ થઈને તેના પતિના પ્રાણ હરી લીધા.
છળથી બચવા માટે ચાળણીથી જોવામાં આવે છે ચંદ્ર
એવું માનવામાં આવે છે કે શાહુકારની પુત્રીએ તરત જ તેના ઉપવાસ તોડવા માટે કરવા માતાની માફી માંગી અને તેની ભૂલ સુધારવા માટે બીજા વર્ષે વિધિ-વિધાન અનુસાર કરવા ચોથનું વ્રત રાખ્યું. આ વખતે કપટથી બચવા તેણે પોતે જ હાથમાં ચાળણી અને દીવો રાખીને ચંદ્રદેવના દર્શન કર્યા અને તેમને અર્ધ્ય અર્પણ કર્યા. એવું માનવામાં આવે છે કે વિધિ વિધાન અનુસાર કરાવવા ચોથનું વ્રત રાખ્યા બાદ કરવા માતા પ્રસન્ન થયા હતા અને તેમણે શાહુકારની પુત્રીના પતિને પુનર્જીવિત કર્યો હતો.
આ વર્ષે કરવા ચોથનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આજરોજ તા. 13 ઓક્ટોબરના રોજ ઘણા અદ્ભુત યોગોનો સંયોગ બની રહ્યો છે. સાથે જ આ સમયે ગ્રહોની વિશેષ સ્થિતિ પણ બની ૨હી છે. જે આ દિવસનું મહત્વ બમણું કરી રહી છે. આ વખતે કરવા ચોથ પર 46 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે પરણીત લોકોને શુભ ફળ મળશે. ચાલો જાણીએ કે આ વર્ષનું કરવા ચોથનું વ્રત શા માટે ખાસ છે. 46 વર્ષ પછી કરવા ચોથ પર બની રહ્યો છે ખાસ સંયોગ.
કરવા ચોથ પર સર્વાર્થ સિદ્ધિ, બુધાદિત્ય અને મહાલક્ષ્મીની રચના થઈ રહી છે. આજે તા. 13 ઓક્ટોબરના રોજ, કરવા ચોથે ગુરુવાર છે. આ દિવસે 46 વર્ષ પછી ગુરુ ગ્રહ તેની પોતાની રાશિ મીન રાશિમાં રહેશે. આવો સંયોગ 23 ઓક્ટોબર 1975ના રોજ બન્યો હતો.
વિવાહિત જીવનમાં ગુરુ-શુક્ર ગ્રહો મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં કરવા ચોથ પર ગુરુ તેમની રાશિમાં હોવાને કારણે, પતિ-પત્નીને સુખી દામ્પત્ય જીવન અને સૌભાગ્ય મળશે.
ગ્રહોની સ્થિતિ
ગુરુની સાથે શનિ મકર રાશિમાં ચંદ્ર વૃષભ રાશિમાં જ્યારે બુધ અને શુક્ર કન્યા રાશિમાં બેઠા છે. મંગળ પોતાના નક્ષત્રમાં રહેશે. આ વખતે રોહિણી નક્ષત્ર કરવા ચોથ પર રહેશે. કરવા ચોથ પર ગ્રહોની આ શુભ સ્થિતિ વ્રત પર પણ અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કરવા ચોથના દિવસે રોહિણી નક્ષત્રમાં ચંદ્રની પૂજા કરવાથી પતિના લાંબા આયુષ્યની કામના પૂર્ણ થશે.