જામનગર નજીક આવેલા દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પૂરપાટ આવી રહેલા છોટાહાથીએ બાઇકને ઠોકરે ચડાવી રીક્ષાને હડફેટ લેતાં ત્રિપલ અકસ્માતમાં બાઇકસવાર યુવાનને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રીક્ષામાં બેસેલા પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ચોકડી પાસે સવારે 9:30 વાગ્યાના અરસામાં પૂરપાટ આવી રહેલા છોટાહાથી વાહને બાઇકને ઠોકરે ચડાવી અને રીક્ષાને હડફેટ લેતાં ત્રિપલ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીક્ષા પલ્ટી ખાઇને પડીકુ વળી ગઇ હતી. જ્યારે બાઇક સવાર મિત રંગાણી નામના પટેલ યુવકને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ રીક્ષામાં સવાર પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને પાંચ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબજો સંભાળી નાશી ગયેલા છોટાહાથીના ચાલકને શોધખોળ આરંભી હતી. સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતાં.