બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કાનો આરંભ શનિવારથી થશે. પ્રથમ તબક્કામાં રહેણાંક મકાનો પર નંબર લગાવાશે. રાજ્યના મુખ્યમંત્રી નીતીશકુમારે પોતાની ‘સમાધાન યાત્રા’ દરમિયાન શુક્રવારે શિવહરમાં કહ્યું કે આ વસ્તી ગણતરી દરમિયાન ફક્ત જાતિઓની ગણતરી નહીં પરંતુ રાજ્યના દરેક પરિવાર અંગે સંપૂર્ણ માહિતી એકત્ર કરાશે. તેનાથી દેશના વિકાસમાં અને સમાજના ઉત્કર્ષમાં ખૂબ ફાયદો થશે. અહીંયા એ પણ નોંધવું રહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે ગુરુવારે પશ્ચિમ ચંપારણ જિલ્લાથી પોતાની સમાધાન યાત્રાનો આરંભ કર્યો છે. એ 5 થી 29 જાન્યુઆરી સુધી પોતાની યાત્રા દરમિયાન સરકારી યોજનાઓની સમીક્ષા કરશે અને લોકો સાથે વાતચીત કરશે. મુખ્યમંત્રી આ યાત્રા દરમિયાન શિવહરમાં લોકો સાથે મુલાકાત કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશકુમારે જાતિ આધારિત વસ્તી ગણતરીના ફાયદા ગણાવ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે સમાધાન યાત્રાનો ઉદ્દેશ્ય લોકોની ફરિયાદો સમજવી અને તેમની સમસ્યાનું સમાધાન લાવવાનો છે.


