બિહારમાં નીતિશ કુમાર સરકારના જાતિ સર્વેક્ષણ કરવાના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જન સંખ્યાનું સર્વેક્ષણ કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતું હોવાથી રાજ્ય સરકાર પાસે તેનો હક્ક નથી. આ સાથે જ અરજીમાં તેના પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટમાં અરજી દ્વારા બિહાર સરકારના 6 જાન્યુઆરીના રોજ આપવામાં આવેલા નોટિફિકેશનને રદ્દ કરવાની દાદ માંગવામાં આવી છે. આ અરજી સામાજીક કાર્યકર અખિલેશ કુમારે તેના વકીલ વરુણ કુમાર સિંહા અને અભિષેક દ્વારા દાખલ કરી છે. સર્વોચ્ચ અદાલત આ મામલાની 20 જાન્યુઆરીના રોજ સુનાવણી કરવા રાજી થઈ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બિહાર સરકારનું જાતિ સર્વેક્ષણનું નોટિફિકેશન ગેરકાયદે, અસંવૈધાનિક અને તેના અધિકાર ક્ષેત્રની બહારનું છે.
આ અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, બિહારમાં 200થી વધુ જાતિઓ છે, જેમને સામાન્ય, ઓબીસી, ઈબીસી, અનુસુચિત જાતિ અને જનજાતિમાં વર્ગિકૃત કરવામાં આવી છે. અરજીકર્તાએ વધુમાં કહ્યું છે કે, બિહાર રાજ્યમાં 113થી વધુ જાતિઓ અન્ય પછાત વર્ગ અને અતિ પછાત વર્ગના દાયરામાં આવે છે. આ સિવાય 8 જાતિઓને સામાન્ય કેટેગરીમાં મુકવામાં આવી છે. જાતિય સર્વેક્ષણ બિહારના રાજકારણ માટે અતિ-સંવેદનશીલ છે. કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી ન મળતા નીતિશ સરકારે રાજ્ય સ્તરે સર્વેક્ષણ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.