જામનગર શહેરમાં રતનબાઈની મસ્જિદ પાસે સુતરીયા ફળીમાં રહેતાં વણિક પ્રૌઢ તેના એકટીવા પર ધોરીવાવ નજીકથી પસાર થતા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવતી કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રતનબાઇની મસ્જિદ પાસે આવેલી સુતરિયા ફળીમાં રહેતા અને લાઈટ ડેકોરેશનનો વ્યવસાય કરતાં કિરીટભાઈ મહેતા નામના વણિક પ્રૌઢ ગત તા.25 ફેબ્રુઆરીના રોજ તેના એકટીવા પર ફોેરેસ્ટ રિસોર્ટમાં લાઈટના ડેકોરેશનના કામમાં જતાં હતાં ત્યારે ધોરીવાવ ગામની ગોલાઈ નજીક પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવતી રાજકોટ પાસીંગની કારમાં સામેથી એકટીવાને ઠોકર મારી હડફેટે લઇ પછાડી દીધા હતાં. અકસ્માત બાદ ચાલક કાર લઇ નાશી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર વિરલભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.