ડિઝ્ની સ્ટાર, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા લિમિટેડ સહિત મુખ્ય પ્રસારકોએ એ કેબલ ઓપરેટરને સિગ્નલ ઉપલબ્ધ કરાવવાનું બંધ કરી દીધું છે જેમણે નવા ટેરિફ આદેશ હેઠળ વધારેલી કિંમતો સાથે સમજૂતી પર હસ્તાક્ષર નથી કર્યા.
જ્યારે ડિજિટલ કેબલ ટેલિવિઝન કંપનીઓની ટોચની સંસ્થા ઓલ ઈન્ડિયા ડિજિટલ કેબલ ફેડરેશન કહ્યું કે તેમણે સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો છે કેમ કે તેનાથી તેમનો ખર્ચ 25 ટકાથી વધીને 35 ટકા થઈ જશે અને ગ્રાહકો પર વધારાનું ભારણ પડશે. ફેડરેશને કહ્યું કે અમે આ મામલે કાયદાકીય પગલાં ભરવા વિચારી રહ્યા છીએ.
અગાઉ પ્રસારકોએ નિયામક ટ્રાઈ દ્વારા જારી એનટીઓ હેઠળ 15 ફેબ્રુઆરીએ જુદા જુદા કેબલ ઓપરેટરોને સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે નોટિસ જારી કરી હતી. જોકે કેબલ સેવા પ્રદાતાઓએ તેના પર ધ્યાન ન આપ્યું. જેના કારણે પ્રસારકો દ્વારા સિગ્નલ બંધ કરાયા. આ પગલાના પરિણામસ્વરુપે દેશભરમાં લગભગ 4.5 કરોડ કેબલ ટીવી ગ્રાહકો આ પ્રસારકો દ્વારા પ્રસારિત ચેનલોને જોવાથી વંચિત થઈ ગયા હતા.