દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત સરકારી જનરલ હોસ્પિટલ ખાતે શનિવારે સવારે અહીંના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાસ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીને સાથે રાખીને લેવામાં આવેલી આ મુલાકાતમાં હોસ્પિટલમાં કોવિડ પરિસ્થિતિ સહિતની વિવિધ બાબતે નિરીક્ષણ કરી અને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.
ખંભાળિયામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વર્તમાન પરિસ્થિતિ જાણવા તથા કોવિડ અંગે હોસ્પિટલની તૈયારી અંગે માહિતી મેળવવા ખંભાળિયાના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર મેનોજ કપૂર સાથે તેમણે કોવિડ પરિસ્થિતિ સામે લડત આપવા હોસ્પિટલ તંત્રની તૈયારી બાબતે ચર્ચા વિચારણાઓ કરી હતી.
આ ઉપરાંત જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી ધાનાણી સાથે તેમણે હોસ્પિટલમાં આઈસોલેશન વિભાગ, ઈમરજન્સી રૂમ તેમજ પીએસએ પ્લાન્ટ તથા હોસ્પિટલના વિવિધ વોર્ડની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમના દ્વારા સુવિધાઓ તથા વર્તમાન પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દવાઓના સ્ટોક સહિતની બાબતે ચર્ચા-વિચારણાઓ કરી, જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લાના સી.ડી.એચ.ઓ. ડો. મિતેશ ભંડેરી, આર.એમ.ઓ. ડો. લક્ષ્મણ કંડોરીયા, ડો. મેહુલ જેઠવા તથા ફિઝિશિયન ડો. દેથરીયા સહિતનો તબીબી સ્ટાફ પણ જોડાયો હતો. કેબિનેટ મંત્રી સાથે અગ્રણી હરિભાઈ નકુમ, પરબતભાઈ ભાદરકા, રસિકભાઈ નકુમ, જીગ્નેશભાઈ પરમાર, વિગેરે જોડાયા હતા.